અમરેલી પંથકમાં ત્રણ સિંહોનાં મોત

Sunday 07th June 2020 07:10 EDT
 
 

અમરેલી: ગીર પૂર્વના સાવજો પર પાછલા કેટલાક સમયથી માઠી દશા બેઠી છે. સમયાંતરે સાવજોનાં મોતની ઘટના બનતી જ રહે છે. ૨૬મી મેએ અમરેલી પંથકમાં એક જ દિવસમાં એક સાથે ત્રણ સિંહોનાં મોત થયા હતા. એક સિંહબાળને પીપળવા રેન્જમાં સાવજે મારી નાંખ્યુ હતું જ્યારે રાજુલાના કોવાયા અને કુંડલાના અભરામપરા નજીક સિંહ-સિંહણનાં મોત અંગે વન વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે.
સિંહબાળના મોતની ઘટના તુલશીશ્યામ રેન્જના ખાંભા તાલુકામાં પીપળવા રાઉન્ડ અને બીટમાં દાણકીવાળા વિસ્તારમાં બની હતી. અહીં આશરે એક વર્ષની ઉંમરના સિંહબાળનો મૃતદેહ વનતંત્રને મળી આવ્યો હતો. આ સિંહબાળને અન્ય સાવજે ઇનફાઇટમાં મારી નાંખ્યુ હતું. સિંહબાળના મૃતદેહ પર ઊંડે સુધી દાંતની ઇજાના નિશાન મળ્યા હતાં. આ ઉપરાંત તેની કરોડરજ્જુ પણ ભાંગી ગઇ હતી. બચ્ચાને મારી નાંખનાર સિંહ આસપાસમાં જ આટા મારતો નજરે પડયો હતો. આ સિંહબાળના મૃતદેહને પીએમ માટે કેશરી સદન ખાતે લઇ જવાયો હતો. જ્યાં ડીસીએફની હાજરીમાં પીએમ કરાયું હતું.
અન્ય એક ઘટના સાવરકુંડલાના મીતીયાળા અભ્યારણ્ય નજીક બની હતી. અહીં અભરામપરા ગામની સીમમાં રેવન્યુ વિસ્તારમાંથી આશરે બેથી ત્રણ વર્ષની ઉંમરની એક સિંહણનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહણનું મોત કઇ રીતે થયું તેની તપાસ ચાલતી હોવાનું વન વિભાગે જણાવ્યું છે. રાજુલા તાલુકાના કોવાયા નજીકથી તાજેતરમાં એક સિંહને રેસ્ક્યુ કરાયો હતો અને તેને સારવાર માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ સિંહનું મોત થયું હતું. આ સિંહનાં મોતનું કારણ પણ સ્પષ્ટ થઇ શક્યું ન હતું. તાજેતરમાં ખાંભા પંથકના સાવજોમાં બેબેસીયા ગામનો રોગચાળો ફેલાયો હતો. જેના કારણે છ થી વધુ સાવજોના મોત થયાં હતાં. આ ગંભીર રોગચાળાનો ભય હજુ પણ સાવજો પર તોળાઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter