ગીર સોમનાથઃ અમરેલી જિલ્લા વન વિભાગે ૨૫ દિવસ અગાઉ પકડેલા ૧૭ સિંહોમાંથી ત્રણ સિંહો માનવભક્ષી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. આ સિંહોને આજીવન પાંજરામાં પૂરી દેવાશે જ્યારે અન્ય ૧૪ સિંહ-સિંહણને ગીર અભ્યારણ્યમાં ગીચ વિસ્તારોમાં છોડી મુકાશે. વન વિભાગે ઝડપેલા ૧૭ સિંહ-સિંહણની તપાસ કરતાં એક સિંહ અને બે સિંહણ મળી કુલ ત્રણના મળમાંથી મનુષ્યના વાળ તથા લોહી મળી આવ્યું હતું.
જોકે, પ્રાથમિક તપાસમાં આ સિંહ શિકાર કરતો હતો અને તેની સાથે અન્ય બે સિંહણ સિંહે કરેલા શિકારને આરોગતી હોવાનું જાણવા મળ્યું છે. જેના પરિણામે સિંહને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પૂરી દેવાશે જ્યારે અન્ય બે સિંહણને જસધર રેસ્ક્યુ સેન્ટરમાં રખાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં એક ૧૪ વર્ષનો કિશોર, ૫૦ વર્ષની મહિલા અને ૬૧ વર્ષના વૃદ્ધનો સિંહે શિકાર કર્યો છે. જ્યારે અન્ય બે પણ જીવલેણ હુમલો કર્યાની ઘટના બની હતી.
વડાળ બીડમાં વધુ છ સિંહબાળનો જન્મ
ક્રાકચમાં સિંહણે ચાર પછી ખાંભામાં સિંહણે પાંચ બાળસિંહોને જન્મ આપ્યા પછી ૧૬મી જૂને સાવરકુંડલાના વડાળ બીડમાં ભુરી અને માંકડી નામની બે સિંહણોએ ત્રણ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે. તેથી અમરેલી પંથકમાં હાલ ૧૫થી વધુ સિંહબાળની ફોજ થઈ હોવાથી વન વિભાગમાં આનંદ છવાયો છે.
શેત્રુંજીના કાંઠેથી સિંહોનાં સ્થળાંતરનો વિચાર
ઉનાળામાં ગરમીને કારણે બૃહદ ગીરના સિંહો શેત્રુંજી નદીને કાંઠે ઠંડકના કારણે વસવાટ કરે છે, પરંતુ ચોમાસામાં શેત્રુંજીમાં પૂર આવવાની ભીતિથી ૨૦થી વધુ સિંહોને વન વિભાગ સલામત જગ્યાએ ખસેડવા માટે વિચારી રહ્યું છે.