અમરેલીઃ કેસર કેરી હવે માત્ર ઉનાળામાં જ નહીં બારેમાસ મળશે. કેસર કરતાં પણ વધુ ગળી રસદાર કેરીની જાત અમરેલી જિલ્લાના દિતલાના પ્રગતિશીલ ખેડૂત બચુભાઈ ઝાલાએ વિકસાવી છે. બચુભાઈ આ માટે છેલ્લા ઘણા વર્ષથી પ્રયત્નો કરતા હતા. આ વર્ષે જે કેરીનો પાક થયો એની ચકાસણી પછી જાણવા મળ્યું છે કે તેમને કેરીની જાત વિકસાવવામાં સફળતા મળી છે. કેરીની આ જાતને તેમણે પંચરત્ન નામ આપ્યું છે.
આ કેરીની વિશેષતા અંગે ઝાલા ફાર્મના ભાણાભાઈના જણાવ્યા મુજબ, કેસર કેરી ભલે ઉનાળાના બે માસ મળતી હોય, પણ આ પંચરત્ન કેરી બારેમાસ મળશે. તેમણે આ કેરી કેસર કેરી કરતાં પણ વધુ મીઠી અને રસદાર હોવાનો દાવો કર્યો છે. આ પંચરત્ન કેરીની મુખ્ય વિશેષતા એ છે કે પાકેલી કેરી ૧૫ કે ૨૦ દિવસ સુધી બગડતી નથી તેમાં ફૂગ પણ લાગતી નથી કે ચાંદી પણ પડતી નથી.
કેરીના સ્વાદરસિકોને નવી કેરીની ભેટ આપનાર રણજિતભાઈ બચુભાઈ ઝાલાએ ઉમેર્યું હતું કે, કેસર કેરી હવે માત્ર ઉનાળામાં જ મળે તે વાત ભૂતકાળ બની જશે. દિતલાના આ ઝાલા ફાર્મમાં હાલ કેરીના હજારો વૃક્ષો ઉછળી રહ્યા છે. પંચરત્ન કેરી બારેમાસ મળશે અને તેનો સ્વાદ પણ કેસર કેરી જેવો જ હશે.