અમરેલીના ૯૫ વર્ષીય અરજણદાદાએ સુરતમાં કોરોનાને હરાવ્યો

Wednesday 16th September 2020 07:17 EDT
 
 

સુરતઃ કોવિડ – ૧૯ની સૌથી વધુ અસર વડીલો પર થવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યો છે તેવામાં સારા સમાચાર એ છે કે મૂળ અમેરેલીના લાઠી તાલુકાના અને દાયકાઓથી સુરત આવીને વસેલા ૯૫ વર્ષીય અરજણદાદાએ તાજેતરમાં કોરોનાને મહાત આપી છે.
અરજણભાઈ તેજાણી કોરોના સંક્રમિત થયા બાદ ૨૯ દિવસની સારવાર બાદ સાજા થયા છે. લાઠી તાલુકાના ભીમરાડ ગામના વતની અરજણદાદા પરિવાર સાથે મોટા વરાછામાં રહે છે. તેઓ તાજેતરમાં સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે. તેઓને જોઈને અવશ્ય કહી શકાય કે, સમયસર સારવાર અને દૃઢ મનોબળ હોય તો કોરોનાને પણ હરાવી શકાય છે.
અરજણદાદા સુરતમાં કોરોનાને હરાવનારા સૌથી વયોવૃદ્ધ નાગરિક છે. તેઓએ બીજું વિશ્વયુદ્ધ, આઝાદીની લડાઈ, છપ્પનિયો દુકાળ, અનેક હોનારતો, ઐતિહાસિક ઘટનાઓ જોઈ છે. સુરતની નવી સિવિલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડો. પ્રિયંકા પટેલે જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ થતાં અરજણદાદા તેજાણીને ૯મી ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને ૮૦ ટકા જેટલું થઈ ગયું હતું અને તેઓ અર્ધબેભાન હાલતમાં હતા. અરજણદાદાને અન્ય કોઈ બીમારી જોકે ન હોવાથી કોવિડ વોર્ડમાં શિફ્ટ કરીને ૧૫ લીટર ઓક્સિજન પર સારવાર ચાલુ કરાઈ હતી. તેમની વયોવૃદ્ધ ઉંમરના કારણે તેમને સતત ઓક્સિજનની જરૂર રહી અને પ્રવાહી આહાર જ અપાતો. દાદાના આત્મવિશ્વાસ અને તબીબોની સારવારથી ૨૦ દિવસ સતત ઓક્સિજન પર રહ્યા બાદ તેઓ તંદુરસ્ત થયા.
અરજણદાદાના પૌત્ર દીપકભાઈ તેજાણીએ જણાવ્યું કે, દાદાએ પોતાની જિંદગીના ૬૦ વર્ષથી પણ વધારે ખેતી કરી છે. ખેતીની સખત મહેનત અને ગ્રામ્યજીવનના શુદ્ધ વાતાવરણ તેમજ દેશી ખોરાકના કારણે આટલી ઉંમરમાં તેઓને એક દિવસ પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter