અમરેલીઃ અમરેલીમાં ૧૨મીએ કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીની હાજરીમાં સૌનો સાથ, સૌનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્યની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ કાળા વાવટા દર્શાવી વિરોધનો પ્રયાસ કરતાં ૩૦ કાર્યકરોની અટક થઈ હતી. તો બીજી તરફ ચાલુ કાર્યક્રમે એક ખેડૂતે સ્ટેજ તરફ બંગડીઓ ફેંકી હતી અને ખેડૂતોના દેવા માફી સહિતની માગ અંગે સૂત્રોચ્ચાર કરી ‘રૂપાણી હાય હાય’ના નારા લગાવ્યા હતા. દરમિયાન, પોરબંદરમાં ૧૧મીએ વિકાસ સંમેલનનું આયોજન કરાયું હતું. તેમાં કેન્દ્રીય કાપડ ઉદ્યોગ પ્રધાન સ્મૃતિ ઇરાની ઉપસ્થિત હતાં. આ કાર્યક્રમ પૂર્વે તેમણે ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિરની મુલાકાત લઈને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓએ મ્યુઝિયમ અને લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી અને કીર્તિમંદિરની વિઝિટ બુકમાં પણ ગાંધી જન્મસ્થળની મુલાકાત અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા.