ગાંધીનગરઃ છેલ્લા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પરિવાર સાથે ૧૮મી મેએ સૌરાષ્ટ્ર સ્થિત ભગવાન સોમનાથ સમક્ષ માથું ટેકવ્યું હતું. પરિવાર સાથે દિલ્હીથી દર્શન માટે ગુજરાત આવેલા અમિત શાહ બપોર પછી અમદવાદ સ્થિત પોતાના નિવાસ સ્થાને પોતાના મતક્ષેત્ર ગાંધીનગર લોકસભા ૨૩મી મેના રોજ યોજનારી મતગણતરી માટે સ્થાનિક ટીમ સાથે પૂર્વ તૈયારીની સમીક્ષા પણ કરી હતી.
અમિત શાહ ૧૭મી મેની રાત્રે જ દિલ્હીથી રાજકોટ આવ્યા હતા. જ્યાં ભાજપના સ્થાનિક આગેવાનોને પણ મળ્યા હતા. બીજે દિવસે સવારે રાજકોટથી સોમનાથ પહોંચેલા અમિત શાહે પરિવાર સાથે ભગવાન સોમનાથના દેવસ્થાનમાં પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ચૂંટણીમાં પ્રચારકાર્ય પૂર્ણ થયા બાદ તેઓ અચૂકપણે સોમનાથ ભગવાનના દર્શાનાર્થે જાય છે. આ ક્રમ તેમણે આ વખતે પણ જાળવ્યો હતો. તેમના નજીકના વર્તુળોએ જણાવ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિવારે અમદાવાદથી દિલ્હી પરત જવા રવાના થવાના હતા.
૨૩મી મેને ગુરુવારે યોજનારી મતગણતરી દરમિયાન તેઓ પોતાના મતક્ષેત્ર ગાંધીનગરમાં જીતે તો વિજયોત્સવમાં ઉપસ્થિત રહે તેવી નહિવત શક્યતાઓ તેમણે દર્શાવી હતી. ચૂંટણી પરિણામના દિવસે તેઓ દિલ્હીમાં ભાજપ હેડક્વોર્ટરમાં તેમની હાજરી અનિવાર્ય હોવાનું પ્રદેશ ભાજપમાંથી જાણવા મળ્યું હતું.
શ્રી સોમનાથ મંદિરે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સોમનાથ મંદિરે તેમના ધર્મપત્ની-પુત્ર-પુત્રવધૂ-પૌત્રી સાથે દર્શનાર્થે પહોંચ્યા હતા.
તેઓએ સોમનાથ મહાદેવને જલાભિષેક, પૂજાસામગ્રી અર્પણ કરી, ધ્વજાપૂજા, તત્કાલમહાપૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં. તેમણે તત્કાલ મહાપૂજા, ધ્વજાપૂજા કરી હતી.