મોરબીઃ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો લાભ લેવા મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગે કમર કસી છે. વર્તમાન સમયમાં મોરબીની સિરામિક પ્રોડક્ટ ગુણવત્તા અને પ્રાઈઝમાં ચીનને બીટ કરી શકે તેવી હોવાથી અમેરિકામાં રોડ શો, ટોક શો અને વિશાળ સેમિનાર્સ દ્વારા મોરબીનો માલ વેચવાના પ્રયાસો હાથ ધરવા આયોજન થઈ રહ્યું છે.
અમેરિક-ચીન ટ્રેડવોરમાં અમેરિકાના સિરામિક માર્કેટ પર ફોકસ કરી નિકાસ વધારવાની જે તક સામે આવી છે તે ઝડપી લેવામાં આવે તો મોરબી સિરામિક ઉદ્યોગમાં જે ૧૦-૧૫ ટકા એકસ્ટ્રા ઉત્પાદન છે તે અમેરિકામાં સમાવી શકાય તેવી પણ તક છે. આ તમામ ઊજળી તકોનો લાભ લેવા મોરબી સિરામિક ઉદ્યોગ આગામી સમયમાં અમેરિકામાં જુદા જુદા શહેરોમાં રોડ-શો કરી માર્કેટિંગ હાથ ધરશે. તેવું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા અને મુકેશભાઈ ઉઘરેજાએ જણાવ્યું હતું.
તેમણે એવું પણ કહ્યું કે, મોરબી સિરામિક ઉદ્યોગની પ્રમોશન ટીમ સ્પેશ્યલ પ્લાન કરશે જે માટે કેન્દ્ર સરકાર તથા ભારતીય રાજદૂતોનો પણ સંપર્ક કરાશે. પ્રમોશન માટે પેવેલિયન રાખી ત્યાં મોરબીના ઉત્પાદનો પ્રસિદ્ધ કરવા પ્રયાસો હાથ ધરાશે.