ભાવનગરઃ કોરોના વાઈરસના વૈશ્વિક ફેલાવવા વચ્ચે તમામ કામ ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે અને સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ છવાયેલો છે. પરંતુ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે અને જૂન મહિનામાં ૩૦ જહાજો ભાંગવા માટે અહીં આવી પહોંચ્યા છે. ભારતમાં કોરોના માર્ચ મહિનાથી સતત વધી રહ્યો હતો અને તે દરમિયાન લોક ડાઉનના પણ વિવિધ તબક્કાઓ લાગુ કરવામાં આવ્યા હતા. તેના કારણે ધંધા રોજગાર પર બ્રેક લાગી ગઈ હતી. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં માર્ચ મહિનામાં ૭, એપ્રિલ મહિનામાં ૪, મે મહિનામાં ૫ જહાજો આવ્યા હતા. ત્યારબાદ અનલોક-૧ની પ્રક્રિયાઓ અમલી બન્યાની સાથે જ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજો આવવાનું શરૂ થઈ ગયું હતું. જૂન મહિનામાં ૩૦ શિપ અલંગમાં ભાંગવા માટે આવી હતી. છેલ્લા બે માસથી અલંગમાં ભાંગવા માટે આવી રહેલા જહાજોમાં નોંધનીય બાબત એ છે કે તેના સરેરાશ ટનેજ ૧૫૦૦૦ રહ્યા છે. જૂન મહિનામાં ૪ લાખ ટન માલ ભંગાણાર્થે આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ અંતિમ સફરે મોકલવા માટેના જહાજોની સંખ્યા મોટી નોંધાઈ રહી છે. ગત નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન અલંગમાં જે જહાજો લાગતા હતા તે ટનેજની દૃષ્ટિએ નાના હતા, પરંતુ મે અને જૂન માસમાં મોટા કદના જહાજો અલંગમાં ભાંગવા માટે આવેલા છે. શિપ રિસાઇકલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઉપ પ્રમુખ રમેશભાઇ મેંદપરાના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારોમાં મોટી સંખ્યામાં જહાજો ઉપલબ્ધ છે, શિપ બ્રેકરો પોતાની અનુકૂળતા અને સગવડતા પ્રમાણે જહાજો ભાંગવા માટે ખરીદી રહ્યા છે. જોકે હજુ લેબરની સમસ્યા અને ડોલરના વધેલા ભાવને કારણે વ્યવસાય મુશ્કેલીઓ અનુભવી રહ્યો છે.