ઊનાઃ વિશ્વમાં સૌથી વધુ ૫૦૦ કિલો જેટલું શરીરનું વજન ધરાવતી ઇજિપ્તની મહિલા એમાન અહમદ મુંબઈની સૈફી હોસ્પિટલમાં ડો. મુફ્ફઝલ લાકડાવાલાની સારવાર હેઠળ છે અને બેરિયાટ્રિક સર્જરી બાદ એમાનનું વજન લગભગ અડધું થઈ ગયાના સમાચાર છે. એમાનની સફળ સારવારના પગલે બેરિયાટ્રિક સર્જન ડો. લાકડાવાલા પાસે સારવાર લેવા માટે હવે લગભગ વિશ્વમાં સૌથી વધુ વજનદાર એવાં ગુજરાતનાં ત્રણ બાળકો જવાના છે.
ઊના જિલ્લાના વીજળી ગામમાં રહેતા રમેશ અને પ્રદાન્યા નંદવાણાના ત્રણ બાળકો તેમની ઉંમરના પ્રમાણમાં ખૂબ વધુ વજન ધરાવે છે. સાત વર્ષની યોગિતા ૪૫ કિલો, પાંચ વર્ષની અનિશા ૬૮ કિલો અને આ બંને બહેનોનો નાનો ભાઈ ત્રણ વર્ષનો હર્ષ ૨૫ કિલો વજન ધરાવે છે. તેમનાં માતા-પિતાનાં જણાવ્યા પ્રમાણે આ ત્રણેય ભાઈ-બહેનનો એક અઠવાડિયાનો ખોરાક એટલો છે કે, ચાર વ્યક્તિના બે પરિવારનું એક મહિનાનું ભોજન પૂરતું થઈ રહે. આ બાળકો પર અગાઉ ગુજરાતમાં જિનેટિક માર્કર ટેસ્ટ કરાયા હતા. તેમાં નિદાન થયું હતું કે મ્યુટેશન ઇન ધ લેપ્ટિન રિસેપ્ટર પ્રોટીન નામના જિન્સના કારણે તેઓ વધુ પડતું વજન ધરાવે છે. અગાઉ આ બાળકોની સર્જરી માટે તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પણ પ્રયત્ન કર્યા હતા.
શ્રમિક પિતા રમેશ નંદવાણા કહે છે કે, મહિને અમારી કુલ આવક રૂ. પાંચ હજાર છે, પરંતુ ત્રણ બાળકોનાં ખોરાકનો ખર્ચ રૂ. છથી સાત હજારનો થઈ જાય છે. જોકે બાળકોનાં નિભાવ માટે વિવિધ દાન આવતાં રહેવાથી ખર્ચમાં રાહત રહે છે.