રાજકોટઃ વરસાદની આગાહી માટે અનેક માન્યતાઓ પ્રચલિત છે. રાજકોટ પંથકના જેતલસર નજીકના આરબ ટીંબડી ગામે ઘણા વર્ષથી રામનવમીના દિવસે વરસાદનો વર્તારો જોવામાં આવે છે. આ ગામમાં ૧૦૦થી પણ વધુ વર્ષો થયા, પ્રતિ વર્ષે રામનવમીના દિવસે રામજી મંદિર ચોકમાં એક લાલ અને એક કાળી સોટીના કાર્યક્રમ થકી વરસાદનો અને વરસનો વર્તારો જોવામાં આવે છે. જેમાં મામા-ભાણેજ કાળી અને લાલ સોટી પકડી ઊભા રહે છે. ચમત્કારિક રીતે જો કાળી સોટી ધ્રૂજીને બેવડી વળે તો માઠું વર્ષ થાય અને લાલ સોટી બેવડી વળે તો ૧૬ આની વર્ષ થવાની માન્યતા છે. દર વર્ષે આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગામોના લોકો ધાર્મિક આસ્થા સાથે ઉમટે છે. આ વખતે ૨૮ માર્ચના રોજ રામનવમીના દિવસે લાલ સોટી ત્રણ ત્રણ વખત બેવડી વળતા લોકોએ રામધુન અને સત્સંગ વચ્ચે આ વાતને વધાવી લઈ ભારે ખુશી વ્યક્ત કરી હતી.