મોરબી/રાજકોટઃ રાજ્યના નવા બજેટમાં આંગણવાડી વર્કર્સ અને આશાવર્કર્સના પગારમાં વધારો થાય તેવી આશા હતી, પણ નવા બજેટમાં આવી કોઈ જોગવાઈ કરાઈ નથી. તેથી ૨૭મી ફેબ્રુઆરીએ મોરબીમાં આ અંગે દેખાવો દરમિયાન ત્રણ આશા વર્કર બહેનોને ચક્કર આવ્યા બાદ બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રાજકોટમાં પણ કલેકટર કચેરીમાં આંગણવાડી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કચેરી ગજાવી દીધી હતી અને મહિલા પોલીસે બાજી સંભાળી હતી. ધોરાજીમાં આંગણવાડીની બહેનોએ ૨૬મી ફેબ્રુઆરીની રાતથી આંદોલન ચલાવ્યું હતું. તેમાં સોમવારે ગેલેક્સી ચોકમાં સરકાર સામે બેસણું ગોઠવતાં પોલીસે ૮૫ બહેનોની અટકાયત કરી હતી.