સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે કોરોનાની ૪ જણાનાં મોત થયાં છે. જેમાં આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ભારતનું નામ રોશન કરનારા કાર રેલિસ્ટ ભરત દવેનો પણ સમાવેશ થાય છે. ૬૮ વર્ષીય ભરત દવેની તબિયત બગડતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા હતા. કુવાડવા નજીક ઓક્સિજન ખૂટી જવાથી તેમનું મોત થયું હતું. તેઓ ભારતના સૌ પ્રથમ કાર રેલી વિજેતા હતા. ૧૯૮૫થી ૧૯૯૦ સુધી તેઓ સતત ૬ વખત હિમાલયન કાર રેલીમાં અવ્વલ નંબરે આવ્યા હતા. જયારે કેન્યા, ન્યૂ ઝીલેન્ડ સહિતના દેશોમાં તેઓએ કાર રેલીમાં ભાગ લીધો હતો. છેલ્લે તેઓએ ૭મી જુલાઇથી ૪ ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન ૨૯ રાજયોની સફર ૨૯ દિવસમાં પૂરી કરી હતી અને ૧૬૫૦૦ કિમીનો પ્રવાસ જાતે ખેડયો હતો.