વિસાવદર: ધારી ગીર પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી સિંહોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. ઘણા સિંહોને રેસ્ક્યુ કરી સારવાર માટે અલગ અલગ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી પણ ઘણા ખરા સિંહો મોતને ભેટ્યા છે, છતાં વન વિભાગ તમામ કામગીરીને રૂટિન હોવાનું ગાણું ગાયા બાદ અચાનક વનતંત્રના તેવર બદલાયા અને સિંહોમાં ‘બેબસીયા’ નામનો રોગ હોવાનો સ્વીકાર કરવા મજબૂર બન્યું છે. કારણ કે વિપક્ષના નેતા, વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય, સાંસદ તથા પ્રકૃતિ પ્રેમીઓએ વનવિભાગની ઝાટકણી કાઢી હતી જેથી બેબસીયા રોગ જાહેર થયો છે.
ખાંભા-તુલશીશ્યામ, જશાધાર, સાવરકુંડાલ, હડાળા સહિતની રેન્જમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના અકુદરતી મોતનો સિલસિલો શરૂ થયો હતો. બાદમાં રહી રહીને વનવિભાગને રોગ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના કારણે છેલ્લા ઘણા સમયથી ધારી ગીર પૂર્વના અલગ અલગ વિસ્તારોમાં સિંહોના સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી હતી અને તેનો રિપોર્ટ આવ્યા બાદ સિંહોને રેસક્યુ કરી સારવાર માટે અલગ અલગ એનિમલ કેર હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ બાબતે અવારનવાર વન વિભાગના અધિકારીઓ સમગર મામલે ઢાંકપિછોડો કરતા હોય તેમ રેસક્યુની કામગીરી રૂટિન છે અને સિંહોનો મોતનો રેશિયો યથાવત્ છે તેમ કહીને કોઈ ભેદી રોગ નથી તેવું ગાણું ગાવાનું ચાલુ રાખ્યું હતું. આ બાબતે વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યએ સિંહોના કેનાઈડ ડિસ્ટેમ્પ આ અંગે તપાસ કરવાની તો વિરોધ પક્ષના નેતાઓએ મોત રેસ્ક્યુ સહિતની ડિટેઈલ્સ માહિતી માગી તેમજ સેવ લાયન નામની સંસ્થાએ હાઈ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની ચીમકી આપી તો પર્યાવરણવિદ સાંસદે વન વિભાગની ટીકા કરી હતી.