જૂનાગઢઃ ભારત દેશ આઝાદ થયા બાદ અનેક ચૂંટણીઓ થતી રહે છે, પણ જૂનાગઢ સ્ટેટને સૌરાષ્ટ્ર સ્ટેટમાં ભળવા માટે દેશમાં સૌપ્રથમ વખત મતદાનનો પ્રારંભ થયો હતો અને જૂનાગઢમાં ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ લાલ અને લીલા કલરની મતપેટીઓમાં મતદાન કરાયું હતું. જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજાએ કરાચીથી આઠમી નવેમ્બર, ૧૯૪૭ના રોજ ત્યારના દિવાન ભુરા ઉપર તાર કર્યો હતો. તારમાં પ્રજાજનોને સંબોધન હતું કે ખૂનામરકી અટકે અને હિંદસંઘનું જનમાનસ જાણવાનો પ્રયાસ થાય. દિવાન ભુરાએ જવાહરલાલ નહેરુને આ અંગેની નવાબની લાગણી જણાવી હતી.
બાદમાં સૌરાષ્ટ્ર સ્ટેટના રાજકોટના રિજિયોનલ કમિશનર નીલમ બુચને પણ આ લખાણથી વાકેફ કરાયા હતા. કેપ્ટન હાર્વે જોન્સને આ લખાણ વંચાવ્યા પછી હિંદસંઘ વતી નીલમ બુચના હુકમથી કાઠિયાવાડ ડિફેન્સ ફોર્સના કમાન્ડર ગુરુદયાલસિંઘે જૂનાગઢનો કબજો લીધો હતો.
૧૦મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ હિંદસંઘે એડમિનિસ્ટ્રેટિવની નિમણૂક કરી હતી. પહેલી જૂન, ૧૯૪૮થી એડમિનિસ્ટ્રેટિવને મદદ કરવા શામળદાસ ગાંધી, પુષ્પાબહેન મહેતા અને દયાશંકરભાઈ દવેની કાઉન્સિલનું પ્રધાનમંડળ રચાયું હતું.
લાલ – લીલી પેટીમાં મતદાન
૨૦મી ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ દેશમાં પ્રથમ બંધારણ મુજબ જૂનાગઢમાં લાલ અને લીલી મતપેટીમાં મતદાન યોજાયું હતું. આ ચૂંટણીનું કવરેજ કરવા વિદેશી પત્રકારો જૂનાગઢ આવ્યા હતા. જૂનાગઢ રાજ્યમાંથી સાત સભ્યો ચૂંટાયા હતા અને સૌરાષ્ટ્રમાં મળી જવા ઠરાવ કર્યો હતો. તે પછી ૨૦મી જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ સૌરાષ્ટ્ર સાથે જૂનાગઢ સ્ટેટ જોડાયું હતું.