રાજકોટઃ આતંકી ભાઈઓ વસિમ અને નઇમ રામોડિયા દેશમાં આતંકવાદી પ્રવૃત્તિના ગુનાસર પકડાયા બાદ દસમીએ બંનેના રિમાન્ડ પૂરા થતાં એટીએસે બંનેના વધુ ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. આતંકી બંધુ ત્રાસવાદીઓની ભરતી માટે બનાવાયેલા અલ હિલાલ ગ્રૂપ ઉપરાંત ઇસ્લામિક ફ્રિડમ ગ્રૂપ, ઇસ્લામિક ફ્રેન્ડઝ ગ્રૂપ સાથે જોડાયેલા હોવાના પુરાવા મળ્યા હોવાથી દેશ, સમાજના હિત માટે આ ત્રાસવાદી ગ્રૂપના સભ્યોની ઓળખ મેળવવા બંને આતંકીની હાજરી જરૂરી હોવાની સરકારી વકીલની રજૂઆત તેમજ તપાસ અધિકારીએ રજૂ કરેલા કારણોને ધ્યાને લઈને કોર્ટે વસિમ-નઇમને ૨૦ માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવા નવમીએ હુકમ કર્યો હતો.