આતંકી બંધુઓ વસીમ-નઈમને સાથે રાખીને ભાવનગરમાં તપાસ

Wednesday 08th March 2017 09:07 EST
 
 

ભાવનગરઃ આતંકવાદી સંગઠન ISIS સાથે સંબંધ ધરાવતા રાજકોટના નહેરુનગરમાં રહેતા વસીમ આરિફભાઈ રામોદિયા અને ભાવનગરના પ્રભુદાસ તળાવ પાસે રહેતા તેના ભાઈ નઈમને એટીએસ ટીમે બાતમીના આધારે ૨૬ ફેબ્રુઆરીએ ઝડપી લીધા હતા. બંનેની પૂછપરછમાં વિગતો મળી કે, રામોદિયા બંધુઓનો ISIS અને ૪૦ માણસો સાથે જોડાઈને ચોટીલામાં લોનવુલ્ફ હુમલો તથા રાજ્યમાં બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો. રાજકોટમાં વસીમનો ત્રિકોણબાગ અને ગુંદાવાડીમાં પેટ્રોલ બોમ્બથી દુકાનો બાળવાનો પ્લાન હતો અને રાજ્યમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું હતું.
નઇમે ભાવનગરમાં પેટ્રોલ બોમ્બથી કાર સળગાવવાનું ષડયંત્ર રચ્યાનું પણ બહાર આવ્યું હતું. બે ભાઈઓની પૂછપરછ પછી ભાવનગરમાં ક્રાઈમ બ્રાંચ તથા પોલીસની સ્પેશ્યલ ટીમે તપાસ શરૂ કરી હતી. ભાવનગરમાં પ્રભુદાસ તળાવ પાસે રહેતા નઈમના ફ્લેટની તપાસ કરતાં જણાયું કે ભાવનગરમાં પેટ્રોલ બોમ્બથી કાર સળગાવવાનો કારસો હતો. પોલીસે તપાસ દરમિયાન નઈમને સાથે રાખ્યો હતો. તપાસ દરમિયાન બંનેને અમદાવાદથી ભાવનગરની એસ.પી. કચેરી અને ત્યાંથી એસઓજી શાખામાં ચુસ્ત બંદોબસ્ત હેઠળ રખાયા હતા. વસીમ રામોદિયાને લઈને એટીએસ છઠ્ઠીએ ચોટીલા પહોંચી હતી અને નિદર્શન કરાવ્યું હતું. આ નિદર્શન એ પ્રકારનું હતું કે વસીમ અગાઉ ચોટીલા આવ્યો ત્યારે તેણે અહીંયા શું શું કર્યું હતું? આ નિદર્શનમાં જાણવા મળ્યું કે વસીમ માસ્ક અને છરી સાથે ચોટીલા પહોંચ્યો હતો અને કોઈનું ગળું કાપીને ISISના આતંકીઓને તેણે પુરાવો આપવાનો હતો કે તે આતંકી બની શકે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter