ગાંધીનગરઃ બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાને પકડવા વન અને પોલીસતંત્રના ૨૦૦થી વધુ કર્મચારીઓ કામે લગાડાયા હતા. એ પછી ૧૧મી ડિસેમ્બરે મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે બગસરાની ગૌશાળામાં શાર્પ શૂટરોની એક ટીમે એક ખૂંખાર દીપડાને ઠાર માર્યો હતો. આગલી રાત્રે ૧૦મી ડિસેમ્બરે આજ ગૌશાળામાં તેણે ત્રણ વાછરડાંનું મારણ કર્યું હતું. દીપડો ફરી અહીં આવશે તેની તંત્રને ખાતરી હતી અને શૂટરો વોચમાં ગોઠવાયા હતા તે સમયે દીપડો આવી ચડતાં ઠાર મરાયો હતો. જોકે, સાતેક વાગ્યે દીપડો વનકર્મી પર હુમલાનો પ્રયાસ કરે તે પહેલા તેને ઠાર કરાયો હતો. માનવભક્ષી દીપડાનાં ફૂટમાર્ક હોવાનું કલેક્ટરે કહ્યું હતું. બગસરા પંથકમાં પાછલા કેટલાક સમયથી માનવભક્ષી બની ગયેલા દીપડાને ભયનો માહોલ સર્જી દીધો હતો. આ દીપડો તો ઠાર મરાયો ઉપરાંત સૌરાષ્ટ્રમાં અન્ય પંથકમાં પણ દીપડા પકડાયા છે. આ બધા વચ્ચે દીપડાના ત્રાસમાંથી મુક્તિ મેળવવા વન વિભાગ અને તંત્રને અરજી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સીમાસી, લાટી, આછીદ્રામાંથી દીપડી - દીપડા પકડાયા છે અને વાડીનારમાં દીપડાએ દેખા દીધી છે.
સૌરાષ્ટ્રમાં દીપડાનો ત્રાસ
દીપડાની દહેશત વચ્ચે સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે રાજાભાઈ માલાભાઈ સોલંકીની વાડીએથી એક દીપડો પાંજરે પુરાયો હતો અને એક બેથી ૫ વર્ષની દીપડી પણ પકડાઈ હતી. જેને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલાઈ હતી. માળિયા હાટીનાના આછીદ્રા ગામેથી પણ દીપડો પાંજરે પુરાયો છે. આ ગામોમાં ખેડૂતોને થોડી રાહત થઇ છે. જામ ખંભાળિયામાં ભાતેલ ગામ નજીક થોડા સમય પહેલા દીપડાએ બે પશુનું મારણ કર્યાના સમાચાર છે ત્યાં વાડીનાર નજીક ખાનગી કંપનીમાં દીપડો આવ્યો હોવાના ફૂટેજ, પગના નિશાન મળતા ભય ફેલાયો છે. વન વિભાગે મજૂરી કરતાં લોકોને રાતે સાવચેત રહેવા જણાવ્યું છે. ખેડૂતો પિયત માટે ખેતરોમાં વાવેલા પાકને પાણી પણ પાઈ શકતા નથી. દીપડાનો ત્રાસ વધતા કાયમી મુક્તિની માંગણી કરી રહ્યા છે.
દિલ્હી દરબારમાં ધા
સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં દીપડાઓએ આતંક મચાવી ૧૭ લોકોને ફાડી ખાધા છે અને સંખ્યાબંધને ઘાયલ કર્યા છે. આ અંગે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયાએ માનવભક્ષી દીપડાને ઠાર મરાયા અગાઉ ગુજરાત વિધાનસભામાં રજૂઆત કરી હતી. એ પછી હર્ષદભાઈ રિબડિયા, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા દિલ્હી કેન્દ્રીય વન મંત્રાલયને રજૂઆત કરવા દિલ્હી પહોંચ્યા હતા અને કેન્દ્રીય વન પ્રધાન તથા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટને એક પત્ર પાઠવી દીપડાનાં આતંકને નાથવા માગ કરી હતી.