સુરેન્દ્રનગરઃ જિલ્લાના રણકાંઠા વિસ્તારના આદરીયાણા ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની પ્રથા છે. આ પ્રથા પાટડી તાલુકાના વડગામ, ધામા જેવા ગામોમાં પણ જોવા મળે છે, પરંતુ આ આદરીયાણાની પ્રથા સૌથી જૂની હોવાનું માનવામાં આવે છે.
આ અંગે ગામના આગેવાન રાજુભાઇ પંડયા કહે છે સવારે ૧૦ વાગે મહાદેવના પ્રાચીન મંદિરમાં ગામની વિવિધ જ્ઞાતિના આગેવાનો ભેગા થઇને નવા વર્ષની ખેતીના લેખાંજોખા તથા ગ્રામ વિકાસની ચર્ચા કરે છે જેને ગામેરુ કહેવાય છે. એ પછી ગામલોકો વાગતા ઢોલે મંદિરથી પાદરમાં આવી ગાયો દોડવાની પરંપરા નિહાળે છે. નાના મોટા સૌ ફટાકડા ફોડીને ગાયોના ટોળાના થતા આગમનને વધાવે છે. ગામના વડીલોના જણાવ્યા અનુસાર એક સમયે ઘોડા, ઊંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા જે પ્રથા હવે બંધ થઇ ગઇ છે.
બેસતા વર્ષના દિવસે માલધારી સમાજના ગોવાળ પરંપરાગત પોષાકમાં ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો અદ્ભુત સંયમ અને સૂઝથી ગાયોને કંટ્રોલ કરે છે. ગાય દોડી જાય એ પછી શ્રદ્ધાળુઓ ગાયના પગલાં જ્યાં પડ્યા હોય તે રજ માથે ચડાવીને નવા વર્ષના શુકન લે છે. બેસતા વર્ષે ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે.