પોરબંદરઃ આદિત્યાણામાં રહેતા કાનાભાઇ રણમલભાઇ કડછાનો પુત્ર કરણ તેમના ઘરની બહાર બેઠો હતો ત્યારે ૧૬મી એપ્રિલે રાત્રે ૧૨ વાગ્યા આસપાસ રાણાવાવ નગરપાલિકાના ભાજપના વિપક્ષી નેતા વિંજા રામદે મોઢવાડિયા સાથે તેની બોલાચાલી થઇ હતી. એ પછી વિંજા રામદે મોઢવાડિયા, કાના બાબુ ઓડેદરા, માલદે ઓડેદરા, હમીર બાબુ મોઢવાડિયા, કરણ કેશુ ઓડેદરા, જયમલ કેશુ ઓડેદરા, કેશુ અરજણ ઓડેદરા અને એક અજાણ્યો માણસ છરી, કુહાડી, પાઇપ અને ધોકા સાથે ત્યાં આવ્યા. તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા વિપક્ષીઓએ ત્યાં હાજર રાણાવાવના ભાજપી કાઉન્સિલર હાજા વિરમ ખૂંટી, કરણ, કાનાભાઈ અને તેમનાં પત્ની ગીતાબહેન પર હુમલો કર્યો હતો. જેમાં હાજા વિરમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. બાકીના ત્રણેય ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યાં સારવારમાં ભાજપી નગરસેવક કાનાભાઇનું પણ મોત નિપજ્યું હતું.
હાજા વિરમ ખૂંટી અને કાનાભાઈ કડછાના મૃત્યુના કારણે આસપાસમાંથી મેર જાતિના લોકો રાણાવાવમાં રોષ સાથે ઉમટી પડ્યા હતા. જોકે પોલીસ સમજાવટ પછી પરિસ્થિતિ થાળે પડી હતી. પોલીસ દ્વારા શંકા વ્યક્ત કરાઈ છે કે જૂના રાજકીય મનદુ:ખને લઇને આ બનાવ બન્યો છે.