મોરબી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદ દરમિયાન ૮ અને ૯ ઓગસ્ટે ટંકારામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. બપોરના સમયે છાપરી નજીકના કલ્યાણપર રોડ પાસેના વોકળામાં કેટલાક લોકો ફસાયા હોવાનો મેસેજ મળતા ટંકારા પોલીસનો સ્ટાફ, ડેપ્યુટી ક્લેક્ટર, રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કેડસમા પાણીમાં નાના બાળકો સહિત ૪૨ લોકો ફસાયા હતા. તમામને બચાવવા પ્રયાસ હાથ ધરાયા હતા. ચોમેર પાણી પાણી જ હતું. આ સમયે પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા પીડિતો સુધી પહોંચી ગયા હતા અને બે બાળકોને ખભે બેસાડીને કેડસમા પાણીમાં ચાલવા લાગ્યા. આ દરમિયાન તેમનો પગ પણ મચકોડાઇ ગયો, પણ તેઓ અટક્યા નહીં. લગભગ એક કિલોમીટર ચાલીને સુરક્ષિત સ્થળે પહોંચી બાળકોને ખભેથી ઉતાર્યા હતા. પૃથ્વીરાજસિંહની હિંમતને સહુએ વધાવી લીધી હતી. મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ ફોન કરીને તેને અભિનંદન આપ્યા હતા તો જિલ્લા વહીવટી તંત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે તેમનું નામ નોમિનેટ કરવાનું નક્કી કર્યું છે.