ગાંધીનગરઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાઈરોલોજી (એનઆઈવી) દ્વારા તાજેતરમાં એવો ખુલાસો થયો છે કે ગુજરાતના ગીરના જંગલોમાં સિંહોમાં ઝડપથી જે વાયરસ ફેલાઈ રહ્યો છે અને જેના કારણે દલખાણિયા રેન્જ સાવજ વિહોણી થઈ ગઈ તે વાયરસ પૂર્વ આફ્રિકામાં સિંહોની કુલ વસતીના ૩૦ ટકા સિંહોને ભરખી ગયો હતો. આ વાયરસનું નામ કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ છે. આઈસીએમઆર-એનઆઈવીના જણાવ્યા પ્રમાણે, ૧૨ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ગીરના જંગલોમાં જે ૨૩ એશિયાટિક સિંહોનાં મોત થયા તેમાં પાંચ સિંહોનાં મોત આ વાયરસથી જ થયા છે.
બાયોમેડિકલ રિસર્ચના ફોર્મ્યુલેશન, કોઓર્ડિનેશન અને પ્રમોશન માટેની સર્વોચ્ચ સંસ્થા આઈસીએમઆર દ્વારા બહાર પડાયું કે, ગીરના જંગલમાં પાંચ સિંહોનાં મોત કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી)ના કારણે થયા છે. આ સાથે આ મામલે કેન્દ્રને પણ સિંહોને બચાવવા માટે તાકીદના પગલાં લેવા જણાવાયું છે. જેમાં સિંહોને અન્યત્ર ખસેડવાનો મુદ્દો પણ સામેલ છે. તેણે અમેરિકાથી સીડીવીના ૩૦૦ શોટ આયાત કરવા માટે પણ સૂચન કર્યુ હતું.
સંસ્થાના નિવેદનમાં જણાવાયું છે કે, પૂણેમાં આવેલી આઈસીએમઆર – એનઆઈવી દ્વારા જોવામાં આવ્યું છે કે ગુજરાતના ગીરના જંગલોમાં પાંચ એશિયાટિક સિંહોનાં મોત માટે સીડીવી જ જવાબદાર છે. આ સાથે એનઆઈવી દ્વારા પ્રથમવાર સીડીવીનાં સંપૂર્ણ જિનોમ પ્રાપ્ત કર્યા છે.
રિચર્ડ કોકનો સંપર્ક
કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસથી તાન્ઝાનિયામાં ૧૦૦૦ સિંહોનાં મૃત્યુ બાદ સિંહોને રોગમુકત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પશુ ચિકિત્સક રિચર્ડ કોકને પણ સત્વરે ગીર બોલાવાયા હોવાનું જણાવાયું હતું. રિચર્ડ ઝુઓલોજિકલ સોસાયટી ઓફ લંડન સાથે સંકળાયેલા છે. બ્રિટન રોયલ વેટરનરી કોલેજ સાથે જોડાયેલા રિચર્ડે અગાઉ જ ગીર જંગલમાં સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પરના એંધાણ હોવાનું કહ્યું હતું.
દલખાણિયા રેન્જ ખાલી
૨૩ સિંહોનાં મોત પછી જોકે આ રેન્જનાં ૬ સિંહોને રેસ્કયુ કરાયા હતા જેથી આ રેન્જ સિંહવિહોણી બની ગઇ છે. ગોધરામાં ડેપ્યુરી કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજરત આઇએફએસ ડો. અંશુમન શર્માને ગીરમાં સિંહોના બચાવ કાર્ય માટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ દ્વારા ધારી ફરજ પર ખસેડવામાં આવ્યા હતા.
અમેરિકાથી રસી મંગાવાઈ
સિંહોનાં બચાવ માટે દેશ વિદેશથી વેટરનરી ડોક્ટર્સ અને અમેરિકાથી ખાસ રસી ૫મીએ મંગાવાઈ હતી. આ રસી રૂ. ૯ લાખમાં ખરીદવામાં આવી હતી. ૩-૩ સપ્તાહના અંતરે દરેક સિંહને રસી આપવાની વાત વહેતી થયા બાદ સ્પષ્ટતા કરાઈ હતી કે સિંહોનાં સ્વાસ્થ્યની ચકાસણી બાદ જરૂરી હોય તે સિંહોને રસી અપાશે. ગુજરાતના પ્રમુખ વન સંરક્ષક અક્ષયકુમાર સક્સેનાના કહેવા અનુસાર ૫૦૦થી વધુ સિંહોનું રસીકરણ કરવું માનવીય ધોરણે સંભવ નથી અને આવી જરૂર પણ નથી. ૨૦૧૫ની ગણતરી મુજબ પંચવર્ષીય સિંહ ગણતરી અનુસાર ગીર તથા તેની આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહ હતા.
આ ઉપરાંત અન્ય રેન્જમાંથી પણ અનેક સિંહોને સલામતીનાં ભાગરૂપે એનિમલ કેર સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. આ અંગે બિલખામાં એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગીરના સિંહોનું સ્થળાંતર નહીં કરાય, ગુજરાતમાં સિંહો સલામત છે. રાજ્ય સરકાર સિંહોના રક્ષણ માટે કટિબદ્ધ છે.