પોરબંદરઃ બોલિવૂડના અભિનેતા, નિર્માતા, નિર્દેશક આમિર ખાને ૨૮મી ડિસેમ્બરે તેના લગ્નની ૧૫મી વર્ષગાંઠ સાસણ ગીરમાં ઉજવી હતી. આમિર તેની પત્ની કીરણ રાવ, પુત્ર આઝાદ, પુત્રી ઈરા, એકટર ઈમરાન ખાન, પુત્રી ઈમારા સહિત પરિવારજનો સાથે ૨૬મી ડિસેમ્બરે ચાર્ટડ પ્લેનથી મુંબઈથી પોરબંદર આવી પહોંચ્યા હતાં. ૫૮ સભ્યોની આ સ્પેશ્યલ ફલાઈટમાં તેમના આમિરના પરિજનો ઉપરાંત તેમનો સ્ટાફ પણ હતો. પોરબંદરના એરપોર્ટ પર ૩૦ મિનિટ રોકાણ કર્યા બાદ ૪ લકઝરીયસ કાર અને એક બસમાં આ કાફલો સાસણ પહોંચ્યો હતો. પોરબંદરના એરપોર્ટ પર તેઓને જોવા ઉત્સુકતા જોવા મળી હતી.
૨૮ ડિસેમ્બરના રોજ આમિરની મેરેજ એનીવર્સરીની ઉજવણી માટે સાસણમાં આવેલો એક રિસોર્ટની પસંદગી કરાઈ હતી અને ત્યાં તેઓ ૨૬મીએ બપોરે પહોંચ્યા હતાં. આમિર અને તેની સાથે આવેલા લોકોએ સાસણમાં સિંહદર્શન ઉપરાંત કાઠિયાવાડી વાનગીઓનો સ્વાદ પણ માણ્યો હતો. આમિરે તેની એનીવર્સરીએ કિરણ માટે ગીત પણ ગાયું હતું. ૨૯મીએ સવારે આમિરનો કાફલો પુનઃ પોરબંદર થઈને ત્યાંથી મુંબઈ જવા રવાના થવાના અહેવાલ હતા. આમિરે તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું છે.