જામનગરઃ નવા વર્ષના પહેલા જ દિવસે જ જામનગરના એક વણિક પરિવારના પુત્ર, પુત્રી, પત્ની માતા સહિતના પ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લેતાં જામનગરમાં હાહાકાર મચી ગયો છે. જેમાં પ્રાથમિક તપાસમાં વણિક યુવક આર્થિક સંકડામણમાં આવી જતાં પરિવારે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે.
જામનગરના પવનચક્કી વિસ્તારમાં, મોદીના વાડામાં મોર ભુવન નામના મકાનમાં રહેતા વણિક પરિવાર દીપકભાઈ પન્નાલાલ સાકરિયા (ઉ. વ. ૪૦) નામના માણસ કથિત રીતે આર્થિક ખેંચમાં આવી ગયા હતાં. ૪ વર્ષથી પથારીવશ માતાની બીમારીની સારવારનો અને પરિવારના ગુજરાનનો ખર્ચ ઉપાડી શકતા ન હતા. મકાનના હપ્તા ચડત થઈ ગયા હતા. જેથી કંટાળીને દીપકભાઈ, તેમનાં માતા જયાબહેન પન્નાલાલ સાકરિયા (ઉ. વ. ૮૦), પત્ની આરતીબહેન (ઉ. વ. ૩૭), પુત્ર હેમંત (ઉ. વ. પ) અને પુત્રી કુમકુમ (ઉ. વ. ૧૦) સહિત પરિવારના પાંચેય સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. મકાનના બીજા માળે રહેતા પિતા પન્નાલાલ સાકરિયાએ સવારે ૯:૩૦ વાગ્યે નીચેના માળે આવીને બારણું ખોલ્યું અને પરિવારના મૃતદેહો જોયા તો તેઓ ભાંગી પડયા હતાં. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.