ખાંભા: ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જમાં પાણી વગરના ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા ૪ સિંહોનું તાજેતરમાં વનતંત્રએ રેસ્ક્યુ કર્યું હતું.
૧૪મીએ સાંજે ૭.૩૦ કલાકે સરસિયા રેન્જના ધારી રાઉન્ડના આંબરડી બીટના મનાવાવ ગામના સરપંચ દિલુભાઈ તેની આંબાવાડીએ રાબેતા મુજબ આંટો મારવા ગયા હતા ત્યારે એક સિંહણ જોવા મળી હતી અને ઊંડે ઊંડેથી સિંહોના અવાજ આવતા સાંભળ્યા હતા. સરપંચને પોતાના કૂવામાં સિંહો હોવાની શંકા જતાં સરસિયા રેન્જના સ્ટાફને જાણ કરી હતી. વનતંત્રના સ્ટાફે પૂનમના પેટ્રોલિંગમાં રોકાયેલા સ્ટાફને જાણ કરતાં એ સ્ટાફ પણ જરૂરી સાધનો સાથે પહોંચ્યો હતો અને સિંહોને બાચાવીને હોસ્પિટલે ખસેડાયા હતા.
ઉલ્લેખનીય છે કે જંગલમાં મચ્છર અને જંતુના ઉપદ્રવથી તાજેતરમાં કેટલાક સિંહોનું ટોળું જૂનાગઢના ભવનાથના તળેટી વિસ્તારમાં આવી ચઢ્યું હતું. ત્યારે સિંહોની સલામતી અને માનવ સલામતી બંને માટે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા.