આશ્રમમાં દુષ્કર્મઃ ગઢડા સ્વામીનારાયણ મંદિરના બે સહિત ૩ સાધુની ધરપકડ

Friday 26th June 2020 17:29 EDT
 
 

અમરેલી: ગઢડાના જૂના સ્વામીનારાયણ મંદિરના બે સાધુ અને દામનગર પાસે આવેલા એક સાધુએ મળીને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સાત વખત બોટાદની મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવ્યું છે.
આ ત્રણેયે મહિલાને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને જણાવીશ તો ચોરીના ગુનામાં ફસાવી દઈશું. દામનગર પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. દામનગર પાસે આવેલા નારાયણનગર ગામમાં રઘુરામ ભગત નામનો સાધુ સંત દેવીદાસ આશ્રમ ચલાવે છે. દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાને બોટાદથી તેણે આશ્રમમાં મજૂરી કામ માટે બોલાવી હતી.
ગઢડામાં જૂના સ્વામીનારાયણ મંદિરમાં રહેતા જગદીશ ભગત અને ભાવેશ ભગત એમ બંને સાધુ ભગતો અવારનવાર કાર લઇ આ આશ્રમમાં આવતા હતા.
મહિલાએ ત્રણેય સાધુ સામે ફરિયાદ નોંધાવી
દોઢ વર્ષ પહેલા ગઢડાથી બંને ભગતે કાર લઇ આશ્રમમાં આવ્યા હતા અને આ મહિલા પર દુષ્કર્મ આચર્યું. બંને ત્યાંથી ચાલ્યા ગયા બાદ રઘુરામ ભગતે પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ મહિલાને જો આ અંગે કોઇને વાત કરશેતો મંદિરમાં ચોરી કરવાના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ચૂપ કરાવી દેતા હતા. આખરે કંટાળેલી મહિલાએ દામનગર પોલીસ મથકે ત્રણેય સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં નારાયણનગરના રઘુરામ ભગત, ગઢડાના જૂના સ્વામીનારાયણ મંદિરમાં રહેતા જગદીશ ભગત અને ભાવેશ ભગતની ધરપકડ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter