પોરબંદરઃ પોરબંદર સહિત રાજ્યના ૧૮ બંદર ઉપર ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા ટૂંક સમયમાં શરૂ થવાની છે. પોરબંદરના લકડીબંદર વિસ્તારમાં આ પ્રકારની બોટનું આગમન પણ થઈ ચૂક્યું છે. હાલમાં આ બોટનું ટ્રાયલ ચાલી રહ્યું છે. માછીમારો પોતાની બોટ લઈને દરિયામાં જાય ત્યારે તેમની સાથે કોઈ અકસ્માત સર્જાય તો તેમની સુરક્ષા અને સારવાર માટે આમ તો કોસ્ટગાર્ડ, નેવી સહિતની એજન્સીઓ મદદે પહોંચી જાય છે, પરંતુ ઘણી વાર ઝડપી મેડિકલ ઇમરજન્સીના અભાવના કારણે માછીમારોને તાત્કાલિક સારવાર મળતી નથી. આ પરિસ્થિતિના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા સમુદ્રમાં ૧૦૮ બોટ એમ્બ્યુલન્સની જોગવાઈ કરાઈ છે.
રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં રાજ્યના ૧૮ બંદરોની જેટી પર આ બોટ કાર્યરત થઈ જશે.
હાલમાં જી.એમ.બી.ની બોટને એમ્બ્યુલન્સ બોટમાં પરિવર્તિત કરાઈ છે. ૧ કલાકમાં ૩૫થી ૪૦ નોટિકલ માઇલની ઝડપે દોડનારી આ એક બોટમાં બોટ ચલાવનાર અને એક ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન મુકાશે.