ચાર જિલ્લા કચ્છ, જામનગર, દ્વારકા અને મોરબી માટે છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરગ્રેટેડ કોસ્ટલ ઝોનનો મેનેજમેન્ટ પ્રોજેક્ટ ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા ચાલી રહ્યો છે. તેને આખરી ઓપ આપવા ભુજ ખાતે જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ સાથે ૧૭મીએ વાર્તાલાપ યોજાયો હતો. આ સંકલિત દરિયાકાંઠા વિસ્તાર વ્યવસ્થાપન યોજનાનો હેતુ સમુદાયના લોકો દરિયાઇ કુદરતી સંસાધનો અંગે જાગૃત થાય, તેમની સંસાધનો પરની નિર્ભરતા ઓછી કરી વૈકલ્પિક રોજગારીની તકોનું સર્જન કરાય તે હતો.
• ઈચવડ ગામે રૂ. ૪૭.૨૧ લાખનું મનરેગા કૌભાંડઃ વન વિભાગ દ્વારા મનરેગાના કામમાં ઈચવડ ગામે રૂ. ૪૭.૨૧ લાખનું કૌભાંડ થયાની રજૂઆત ગામના જ સરપંચ નરેન્દ્રભાઈ રાઠોડે મુખ્ય પ્રધાન સમક્ષ કરી છે. પત્ર દ્વારા એવી રજૂઆત કરાઈ છે કે ઈચવડ ગામે ૮ ચેકડેમ અને ૩ તલાવડી બનાવીને તેના ૧૧-૫થી ૪-૬ સુધીના અલગ અલગ કામના બિલ દુદાણા- ઈચવડ જૂથ પંચાયતમાં મુકાયા હતા. જે હાલમાં નિવૃત્ત આરએફઓ રાવલિયા દ્વારા મંજૂર થયા હતા. ૧૨મી જુલાઈએ દુદાણાના ઈચવડ ગામે સંયુક્ત જૂથ પંચાયતમાં એવો ખુલાસો થયો કે, દુદાણા અને ઈચવડ ગામની ફાજલ જમીનમાં કોઈ ૧૦મી જુલાઈએ જ બે ચેકડેમ બનાવી ગયા છે અને આ ચેકડેમ બિનજરૂરી છે. વળી ગામના પંચના સભ્યોએ કહ્યું કે, ચેકડેમ બનાવવા કોઈએ અમારી પરવાનગી પણ લીધી નથી. આ ચેકડેના બિલ અંગે રાજ્ય સિંચાઈ ખાતામાં જાણ કરાતાં રાજ્યની સિંચાઈ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
• રૂ. ૨૫૦૦ કરોડના ખર્ચે રાજકોટ-અમદાવાદ હાઈ વે સિક્સ લેનઃ રાજકોટ-અમદાવાદ હાઈ-વે એ ગુજરાતમાં સૌથી વ્યસ્ત હાઈ વે પૈકીનો એક ગણાવામાં આવે છે. તેને સિક્સ લેન કરવા માટે તાજેતરમાં રૂ. ૨૫૦૦ કરોડના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે અને રાજ્ય સરકારને આ હાઈવે પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ)ના ધોરણે વિકસાવવા નિર્દેશ અપાયો છે.
• મોરબી નગરપાલિકામાંથી કોંગ્રેસે સત્તા ગુમાવીઃ મોરબી પાલિકામાં એક તરફ દલિતો પર અત્યાચારના કારણે સોરઠમાં સ્થિતિ તંગ થઈ તે પહેલાં ૧૨ બળવાખોરોએ ભાજપ સાથે હાથ મિલાવતા કોંગ્રેસ મોરબી નગરપાલિકા ગુમાવી દીધી છે. છેલ્લા કેટલાંક વખતથી સત્તા માટે આંતરિક રાજકીય લડાઇનો ભાજપે લાભ ઉઠાવી લીધો છે. મોરબીમાં ભાજપ સાથે હાથ મિલાવનારા બળવાખોર સભ્યોને ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ હવે કાનૂની કાર્યવાહી કરશે. તાલુકા, જિલ્લા પંચાયતમાં ભાજપને હાર આપી કોંગ્રેસ સારો દેખાવ કર્યો છે, પણ હવે સત્તા જાળવી રાખવા કોંગ્રેસને ભારે પડી રહી છે.
• પરીન ફર્નિચરના ડાયરેક્ટર અને પત્નીનું અકસ્માતમાં મૃત્યુઃ સૌરાષ્ટ્રભરમાં વિખ્યાત પરીન ફર્નિચરના ડાયરેક્ટર દીપેશભાઇ ધીરજલાલ નંદાણી (ઉ.૪૪) તથા તેમનાં પત્ની અવનીબહેન (ઉ.૪૦) ૧૬મી જુલાઈએ કારમાં રાજકોટથી જામનગર જતા હતાં ત્યારે ખીજડિયા બાયપાસ પાસે અકસ્માત નડતાં તેમનાં મૃત્યુ થયાં હતાં.
• જામનગરમાં નવનિર્મિત ૪૪૦ આવાસોનું લોકાર્પણઃ જામનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સાધના કોલોની ખાતે મુખ્ય પ્રધાન ગૃહ યોજના અંતર્ગત સ્વર્ણિમ નગર એલઆઈજી ૧ તથા ૨ પ્રકારના આવાસોનું રૂ. ૩૬.૫૭ કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. જેનું લોકાર્પણ રાજ્ય પ્રધાન વસુબહેન ત્રિવેદીના હસ્તે ૧૮મી જુલાઈએ કરાયું હતું.
• ઢોકળવાના સરપંચને આઠ વર્ષની કેદઃ ચોટીલાના ઢોકળવા ગામની સીમમાં વીજચેકિંગમાં ગયેલી વીજકંપનીની ટીમના અધિકારી અને લાઇનમેન પર હુમલો કરીને ફરજમાં અડચણ ઊભી કરવા સહિતના આરોપસર પકડાયેલા ગામના સરપંચ પ્રાગજીભાઇ કોળી અને પાંચા પોલાભાઇ સામેના કેસમાં સેશન્સ કોર્ટે પ્રાગજીભાઇને આઠ વર્ષની કેદ અને રૂ. ૧૦ હજારના દંડની સજા ૧૫મી જુલાઈએ કરી હતી. આ કેસમાં પાંચાભાઇને શંકાનો લાભ આપીને છોડી મુકાયા હતા.
• હોસ્પિટલના સિનિયર ક્લાર્કે રૂ. ૧.૩૦ કરોડની ઉચાપત કરીઃ જામનગરમાં આવેલી પ્રખ્યાત સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદ સિંઘના પગાર બિલમાં ચેડાં કરીને સિનિયર ક્લાર્ક ઓ પી સોનગરાએ રૂ. ૧ કરોડ ૩૦ લાખની ઉચાપત આચરી હતી. આ મામલાની હોસ્પિટલમાં જ તપાસ થતાં આ અંગેની ફરિયાદ હોસ્પિટલના વહીવટી વડા સુમારભાઈ હાસમભાઈ દુંગાએ પોલીસમાં નોંધાવી છે.
• ગારિયાધાર તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્તઃ ગારિયાધારમાં તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત રાજ્યના માર્ગ અને મકાન પ્રધાન નીતિભાઈભાઈ પટેલના હસ્તે ૧૬મી જુલાઈએ કરવામાં આવ્યું હતું.