ગાંધીનગરઃ સૌરાષ્ટ્રના કેશોદમાં મુસ્લિમ મતાવલંબી રહેલા ૬ વ્યક્તિનાં વડસરિયા પરિવારે ઈસ્લામ ત્યજીને તાજેતરમાં હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. પૂર્વજો કડવા પાટીદાર જ્ઞાતિના હોવાથી હિન્દુ સનાતની ધર્મમાં આવેલા પરિવારનું કેશોદના જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજે ઉમિયા પરિવારમાં સ્વીકાર સંમતિ પત્ર જાહેર કરીને સ્વાગત કર્યું છે. એક રીતે અત્યાર સુધી ધાર્મિક સ્તરે મુસ્લિમ ધર્મના ઈસ્માઈલી સંપ્રદાયના અનુયાયી હોવાની ઓળખ ધરાવતા ૩ મહિલા અને ૩ પુરુષોનો વડસરિયા પરિવાર હવે હિન્દુ ધર્મમાં કડવા પાટીદાર સમાજનો હિસ્સો રહેશે. હિન્દુ ધર્મ અંગીકાર કરનારા રસિલાબહેને કહ્યું કે, અમારા પૂર્વજો કડવા પટેલ જ હતા. જે તે સમય - સંજોગોને આધીન વડીલોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ અમે ભલે મોમીન અટક ધારણ કરી, પરંતુ અમારા સૌના નામ તો હિન્દુઓમાં હોય તેવા જ હતા. અમારો પરિવાર ૩૫-૩૬ વર્ષથી બ્રહ્માકુમારી સાથે સંકળાયેલો છે. અમારા ઉછેર, ઘર- પરિવારમાં પણ હિન્દુ પરંપરાનો પ્રભાવ પહેલેથી જ રહ્યો છે. ધર્મ પરિવર્તન બાદ કેશોદના જેઠાલાલ પ્રમેજી પટેલ સમાજના પ્રમુખ ગોપાલ પટેલે મુસ્લિમ મોમીન પરિવારને હિન્દુ કડવા પાટીદારની વડસરિયા અટક સાથે જ્ઞાતિ સ્વીકાર સંમતિ પ્રમાણપત્ર આપ્યું હતું.
સમાજના આગેવાન મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધર્મ પરિવર્તનની વિધિ, અટક સાથે કડવા પાટીદાર સમાજે તેમને આવકાર્યા છે. જોકે, કલેક્ટરની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.
‘મોમના’ પહેલા પાટીદારો: અરવિંદ લાડાણી
માળિયા હાટીના, તાલાળા તરફના મોમના કે મોમીન તરીકે ઓળખાતા ઈસ્માઈલી મુસ્લિમોના અનેક ગામો છે. કેશોદમાં પણ અઢીસોથી વધુ આ પ્રકારના પરિવારો વસે છે. પૂર્વ ધારાસભ્ય અને કડવા પાટીદાર સમાજના આગેવાન અરવિંદ લાડાણીએ કહ્યુ કે, કેશોદના આ પરિવારના દાદાએ પોતાના પૂર્વજો કડવા પાટીદાર હોવાનું અને વડાલિયામાંથી ધીરે ધીરે વડસરિયા થયાનું જણાવ્યું હતું. અહીં પહેલાથી સમાજમાં દીકરીઓની અછત છે. લગ્ન માટે છેક મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સુધી લાંબા થવું પડે છે. સમાજનો વ્યાપ અને સંપર્કો પહેલેથી વિસ્તરેલા ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થતાં અહીં સૌ કોઈએ આવકાર આપ્યો છે.