ઉનાઃ ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દોઢેક વર્ષ પહેલાં દલિત પરિવારના સભ્યો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પરિવાર અને તેમના સાથીઓએ આ અંગે ન્યાય નહીં મળતા બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો હતો. તેથી પરિવારના બાર સભ્યો સહિત ૫૭ દલિતોએ ૨૯મી એપ્રિલે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. બૌદ્ધ ધર્મ સ્વીકારનામાં ચાર મહિલાનો પણ સમાવેશ થાય છે. ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો અને શાંતિપૂર્વક પૂર્ણ થયો હતો.
૧૧ જુલાઈ ૧૬ના રોજ મોટાસમઢિયાળા ગામના દલિત યુવાન બાબુભાઈ સરવૈયા સહિતના સભ્યોને ગૌપ્રેમીઓના નામને સરાજાહેર બેફામ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને કેન્દ્ર અને રાજ્ય સરકાર નેતાઓ અને અધિકારીઓએ મોટાસમઢિયાળા ગામની મુલાકાત લઈને પરિવારના સભ્યોને ન્યાય અપાવવાની સાંત્વના આપી હતી. પોલીસે દલિતોને છડેચોક ઢોરમાર મારનાર માણસોની ધરપકડ કરી હતી. બીજી તરફ આ દલિત કાંડમાં પિતા-પુત્ર અશોકભાઈ સરવૈયા અને રમેશભાઈ સરવૈયા પર ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરીને તેને ભયભીત કરવા માટે ફરીથી હુમલો પણ થયો હતો. આ બનાવ બાદ પણ મોટા સમઢિયાળા પીડિતોને યોગ્ય ન્યાય મળ્યો ન હોવાનું પરિવારે જણાવ્યું છે. પરિવારે તેની સાથે જાતિવાદ અને ભેદભાવ રાખવામાં આવતો હોવાનું પણ જણાવ્યું હતું. ન્યાય નહીં મળતાં પીડિત પરિવારના સભ્યોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો હતો.