ઉપલેટાઃ પોલીસ મથકે ખાણ-ખનીજ વિભાગના અધિકારી દ્વારા ઉપલેટા તાલુકાના ઇશરા ગામે ભાદર નદીમાંથી રૂ. ૭૮ લાખ ૩૦ હજારની રેતી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જિલ્લાના કલેકટરના આદેશથી ખનીજ ચોરી ડામવા તાજેતરમાં સૂચના મળી હતી. જેથી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી આકોલકર, ખાણ ખનીજ વિભાગની ટીમ, નાયબ કલેકટર તુષાર જોશી અને સરકારી આદેશોની ટીમે ઇસરા ગામે ખનીજ ખનનની ફરિયાદ સંદર્ભે તપાસ આદરી હતી. ભાદર નદીમાં ખાણ ખનીજ વિભાગના સર્વેયરોએ માપણી કરતાં ૩૨૬૨૭ ટન રેતીનું ખનન થયાનું જણાયું હતું. એ પછી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર રાજેન્દ્રભાઈ પટેલે ચોથી જુલાઈએ અંદાજે રૂ. ૭૮ લાખ ૭૦ હજારની રૂ. ૩૨,૬૨૭ ટન રેતી ચોરી અજાણ્યા શખસો દ્વારા કરાઈ હોવાની ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.