રાજકોટઃ મૂળ ઉપલેટાના કૌશલ ઢોલરીયાએ વેલ્લુરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટર ઓફ મિકેટ્રોનિક્સમાં રિસર્ચ પેપર તૈયાર કરતી વખતે હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યો છે. જેનું નામ તેણે અક્ષર રાખ્યું છે. રોબોટમાં ખાસ પ્રકારની સર્વો મોટર્સ લગાવવામાં આવી છે. આ રોબોટ માનવની જેમ અને માનવ જેવા કામ કરવા સક્ષમ છે. અક્ષર વોઇસ કંટ્રોલ સિસ્ટમને ફોલો કરે છે અને ફોરવર્ડ શબ્દ બોલવાથી રોબોટ ઓર્ડર લે છે. આ ઉપરાંત હાથમાં ૧૦૦ ગ્રામ જેટલી વજન વાળી વસ્તુ પણ ઊંચકીને ખાસ જગ્યાએ મૂકી શકે છે. આ સિવાય જ્યારે માણસ રોબોટની નજીક હોય ત્યારે રોબટ માણસ સાથે વાતચીત પણ કરે છે. આ રોબોટ જ્યાં હાજર હોય એ જગ્યાએ ક્યારે આવે અને ક્યારે જાય તેની નોંધ પણ રાખે છે. રોબોટ ત્રણ સેન્સર્સ અને બે માઇક્રો કંટ્રોલ યુનિટથી બનાવાયો છે. રોબોટ બનાવવાનો ટોટલ ખર્ચ
રૂ. ૩૫૦૦૦ થાય છે. કૌશલે તેના આ રોબોટનું પ્રદર્શન ઇન્ટરનેશનલ એન્જિનિયરિંગ કોન્ફરન્સ ૨૦૧૬માં પણ કર્યું હતું. ખ્યાતનામ રિસર્ચ જર્નલ ઇન્ડિયન જર્નલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કૌશલના રોબોટનો સમાવેશ તાજેતરમાં કરાયો છે.