ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના ૧૭ વર્ષના ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાની ઊંચાઈ માત્ર અઢી ફૂટ છે, પણ તેનું લક્ષ્ય ઊંચું છે. અને પોતાનું લક્ષ્ય હાંસલ કરવા તે ગમેતેટલું ઝઝૂમવા પણ તૈયાર છે. તેના આ જુસ્સાએ જ તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવ્યો છે.
ગણેશ જે શાળામાં ભણ્યો એ નીલકંઠ વિદ્યાપીઠે એમબીબીએસના અભ્યાસ માટે તેના માટેની પ્રવેશની અરજી કરી આપી હતી, પરંતુ ગણેશની ઊંચાઈને કારણે તેને પ્રવેશ મળ્યો નહીં. તેણે સંસ્થાની મદદથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને રૂ. ૩.૫૦ લાખ ખર્ચીને જીત પણ મેળવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગણેશને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે, અને પહેલી ઓગસ્ટથી અભ્યાસ પણ શરૂ થઇ ગયો છે.
ગણેશના શિક્ષક અને પિતા તેની સાથે મેડિકલ કોલેજ ગયા હતા. ગણેશના ખેડૂત પિતા અને તેના શિક્ષકને ગણેશના મનોબળ પર ખૂબ ભરોસો છે. ગણેશના પિતા અને શિક્ષકને વિશ્વાસ છે કે અઢી ફૂટ ઊંચાઈ ધરાવતો ગણેશ ડોક્ટર બનશે અને ગિનેસ બુકમાં નામ નોંધાવીને ગામ અને દેશનું નામ તે રોશન કરશે.
ગણેશની ઉમર ૧૭ વર્ષ છે. માર્ચ ૨૦૧૮માં ગણેશે ૧૨ સાયન્સમાં ૮૭ ટકા મેળવ્યા હતા. મેડિકલ કોલેજમાં એડમિશન માટે તેના શિક્ષકે પ્રયાસ કર્યો હતો. જોકે તેને મેડિકલ કોલેજમાં ઊંચાઈને પગલે પ્રવેશ નહીં મળતા ગણેશની શાળા નીલકંઠ વિદ્યાપીઠે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
ગણેશે કહ્યું કે, મેડિકલ કોલેજનો પ્રથમ દિવસ આનંદપૂર્ણ રહ્યો હતો. તમામ ડોકટર્સે તેને ઉમળકાથી આવકાર્યો હતો. ડો. હેમંત મહેતાએ કહ્યું કે, અમે અમારા અનોખા છાત્રને આવકારીએ છીએ. મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવામાં સફળ ગણેશ હવે એમડી બનવા
માંગે છે.