અમદાવાદઃ ઊના પાસેના મોટા સમઢિયાળા ગામે દલિતો પર અત્યાચારની ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ગુંડા તત્ત્વો દ્વારા જાહેરમાં માર મારવાની ઘટનાની વીડિયો ક્લીપ લાખો લોકોએ જોઈ છે. એવી ચર્ચા છે કે કહેવાતા ગૌરક્ષકોને સામે ચાલીને પોલીસે જ ફોન કર્યો હતો. આશરે ૨૫થી ૩૦ લોકોએ ત્રણ જુદા જુદા સ્થળે દલિતોને માર માર્યો છે.
પોલીસની હાજરીમાં જ આ બધું થયું હતું તેમ છતાં કોઈ પગલાં ન ભરાયા અને અંતે લોકોનો રોષ ફાટી નીકળ્યો. બે હજાર લોકોએ પ્રથમ વખત રેલી કાઢીને ઊનાના મામલતદારને આવેદનપત્ર આપ્યું તેમ છતાં તંત્રે આ ઘટનાને ગંભીરતાથી લીધી જ નહીં. પોલીસ દ્વારા ગુનેગારોને છાવરવામાં આવતાં હોવાનું લોકોમાં સ્પષ્ટ થયું છતાં કોઈ પગલાં ન ભરાયા. ગાંધીનગરમાં પ્રધાનો જ્યાં બેસે છે તે સ્વર્ણિમ સંકુલમાં પણ આની સાચી વિગતો પહોંચાડવામાં આવી નહોતી. જુદી જુદી વીડિયો ક્લિપમાં માર મારનારાઓ ૨૫થી વધુ યુવક જોવા મળે છે. વીડિયોની સાથેના ઓડિયોમાં કેટલાક નામો પણ સાંભળવા મળી રહ્યા હોવા છતાં હજુ સુધી માત્ર ૧૬ લોકોની ધરપકડ થઇ છે. ઘટનામાં સંડોવાયેલા પાત્રો અને ખુદ પોલીસ કર્મચારીઓના મોબાઈલ ફોનના ડેટા તપાસાય, જાહેર કરાય તો ઘણી જ ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે તેમ પણ ચર્ચાઇ રહ્યું છે. જે પ્રકારે આ ઘટનાઓ બની છે તેમાં એવી ઘણી કડી છે કે જે શંકા ઉભી કરે છે. રાજકારણીઓ પડદા પાછળ રહીને આ સરકારને બદનામ તો નથી કરી રહ્યાં ને? જો સરકાર થોડીક પણ રાજકીય તપાસ કરે તો એ સ્પષ્ટ થઈ જાય તેમ છે.