જૂનાગઢઃ ઋતુચક્ર બદલાઈ રહ્યું છે તેથી ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવે ફળોના રાજા કેરી પર થવા લાગી છે. છેલ્લા ૧૦ વર્ષથી શિયાળામાં પણ આંબે કેરી આવી હોય એવી ઘણી ઘટનાઓ સૌરાષ્ટ્રમાં બની રહી છે. જૂનાગઢ શહેર કેરી માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીંની કેટલીક આંબાવાડીમાં પહેલી ડિસેમ્બરે કેરીનો પાક આંબે ઝૂલતો દેખાતો હતો. આ પાછી કેસર કેરી છે. જૂનાગઢ શહેરના સી એન આઈ ચર્ચમાં વાવેલા આંબામાં પણ મોર મહોર્યાં છે અને કેરી પણ આવી છે. સામાન્ય રીતે વૈશાખ મહિનામાં ઉનાળામાં મે-જૂનમાં કેરી આવે છે, પણ કુદરત પણ માનવીઓની ભૂલના કારણે ઋતુચક્ર બદલીને ઉતાવળે આંબા પકવી રહી છે.
અગાઉ ૨૧ નવેમ્બરે શિયાળાની શરૂઆતમાં જૂનાગઢના નિલેશભાઈ અમુભાઈ ભાર્થીને ત્યાં ઘરના આંગણે આંબામાં કેસર કેરી આવી હતી.
અમરેલીમાં પણ ફાલ
અમરેલી જિલ્લાના કંટાળા ગામના ભાવેશ રાઠોડની આંબાના બગીચામાં ૬૦૦ આંબામાંથી ૩૦થી વધુ આંબાના વૃક્ષો પર ફાલ આવી ગયો છે. ૪ વૃક્ષો પર કેરીઓ આવી ગઈ છે. પરિવાર કેરીનો સ્વાદ ચાખી રહયા છે. સામાન્ય ઋતુમાં કેરીનો ફાલ જાન્યુઆરી મહિનામાં આવે છે અને કેરી મે મહિનામાં પાકે છેે. ઋતુ ચક્રના ફેરફારને કારણે આવું બની રહ્યું છે. ભાવેશભાઈના બગીચાની કેરી ઓસ્ટ્રેલિયા પણ જાય છે.
પોરબંદરમાં પણ પાક
પોરબંદરના કટવાણા ગામે આંબામાં કેરીના ઝૂમખા આવી ગયા છે. ઉનાળામાં કેરી આવે તેના બદલે ૧૩ ડિગ્રી તાપમાનમાં અહીં કેરી આવી ગઈ છે. આ કેરી કિલોના રૂ. ૧૦૦થી વધુના ભાવે વેચાઈ પણ રહી છે. આ ઉપરાંત માળીયા હાટીનાના ગળોદર ગામમાં પણ નવેમ્બરની શરૂઆતમાં જ કેરી આંબે ઝૂલતી દેખાઈ હતી.