મોરબી: જિલ્લામાં આવેલું એક ગામ એવું છે જ્યાં રહેતા દરેકની અટક એક જ હોય છે. ૭૦૦ લોકોના આ ગામમાં દરેકની અટક ચરવડિયા છે. આ ગામનું નામ બોકાડથંભા છે. કહેવાય છે કે જે વ્યક્તિ ગામમાં રહેવા આવે તેણે ચરવડિયા અટક રાખવી જરૂરી બને છે. લોકોના કહેવા પ્રમાણે અમુક વર્ષો પહેલાં થોડા લોકોએ અન્ય અટક સાથે રહેવાની કોશિશ કરી હતી પણ થોડા જ સમયમાં બીમારી કે કૌટુંબિક તકલીફોનો સામનો કરીને એ લોકોને ગામ છોડવા મજબૂર થવું પડ્યું હતું.
મોરબી જિલ્લાના વાંકાનેરથી ૧૩ કિમી દૂર આવેલા બોકાડથંભા ગામમાં છેલ્લા નવ વર્ષથી એક જ અટકના લોકો રહે છે. કેટલીક વિચિત્ર માન્યતાઓ અને લોકવાયકાઓ પછી ચરવડિયા અટક ન રાખતા લોકોનો ગામમાં પ્રવેશ જ વર્જિત છે. ગ્રામજનો આ અટક અંગેની પરંપરા પાછળ કોઈ શ્રાપને કારણભૂત ગણાવે છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે હજારો વર્ષ પહેલા વાંકાનેરના શાસકોએ ચાર ભાઈઓને ગામમાં વસાવ્યા હતા. આ ગામ ચાર ભાઈઓનો વંશ છે. ગામના લોકો જે જમીન ઉપર ખેતી કરી છે તે બીજાની સંપત્તિ હતી અને આઝાદી પછી લેન્ડ સિલિંગ એક્ટ હેઠળ લોકોને જમીન વહેંચવામાં આવી હતી. જોકે સમય જતાં વસતીમાં વધારો થયો અને ઘણા લોકો ગુજરાન માટે ગામથી દૂર પણ વસ્યા છે, પણ ગામમાં વસનારાની એક અટક માટે ગ્રામજનો પણ આગ્રહી દેખાય છે. લોકો આ ગામમાં કોઈ પણ વિવાદ થાય તો રામમંદિરે લોકો એકત્રિત થાય છે અને મતભેદ દૂર કરવામાં આવે છે. ગામને પોલીસ આઉટપોસ્ટની જરૂર નથી તેમજ આ ગામમાં ગ્રામ પંચાયત પણ નથી.