જેતપુરઃ તાલુકાના મોટા ગુંદાળા ગામના નવ પટેલ યુવાનો ઉત્તરાયણ નિમિતે કારમાં કચ્છ-ભૂજ ફરવા ગયા હતા. કચ્છના લોરિયા ગામ પાસે બસ સાથે અકસ્માત સર્જાતાં નવ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. નવેનવ યુવાનોની અંતિમયાત્રામાં આખું ગુંદાળા જોડાયું હતું. પોતાના લાડકવાયા પુત્રોની સળગતી ચિતા જોઇ પરિવારજનોએ સ્મશાનમાં જ પોક મૂકી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા અને હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. નવ નનામીઓ ગામમાં નીકળતાં સ્વયંભૂ બંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને યુવાનોની અંતિમયાત્રામાં જોડાયેલા ગામના લોકોની આંખ પણ ભીની થઇ ગઇ હતી.
૬ પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
૯ યુવાનોમાં ૬ પરિવારના ઘરે માત્ર એકનો એક દીકરાનું મૃત્યુ થયું. હાર્દિક રજનીકાંત બાંભરોલીયા, રાજ વલ્લભભાઇ સેંજલીયા, મિલન કાનજીભાઇ કોટડીયા, વિજય ધીરુભાઇ ડોબરીયા, પ્રશાંત રમણીકભાઇ કાછડીયા, જયદીપ વિઠ્ઠલભાઇ બુટાણી આ તમામના માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો છે. નવ પટેલ યુવાનોનાં મૃત્યુ થતાં ખોડલધામ ટ્રસ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત ૨૧મી જાન્યુઆરીએ ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ નિમિત્તે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવમાં ધ્વજારોહણ, સેમિનાર, મહાયજ્ઞ, મહાથાળ, મહાઆરતી અને ભવ્ય લોકડાયરાનું આયોજન હતું. જોકે નવ પાટીદાર યુવાનોના મોતના પગલે આ પાટોત્સવ રદ કરાયો છે.