રાજકોટઃ ભારત સરકાર સંચાલિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ સમોલેક્યુલર બાયોલોજી (સીએસઆઈઆર) સંસ્થા લુપ્તપ્રાય પ્રજાતિઓ ઉપર સંશોધન કરતી સંસ્થા છે. હૈદરાબાદ સ્થિત આ સંસ્થાની ટીમે હમણાં જ એશિયાટિક સાવજોના ડીએનએનું વર્ગીકરણ કર્યું હતું અને તાજેતરમાં ગીરના એશિયાટિક સિંહોનું સંસ્થાએ મૂળ શોધી કાઢ્યું છે. હવે એશિયાટિક સિંહની ઉત્ક્રાંતિ વિશે ઘણી બધી વિગતો સામે આવશે. એવું સંસ્થા દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. આ ઉપરાંત આફ્રિકન અને એશિયાટિક સાવજો વચ્ચેની ભેદરેખા પર પણ સંસ્થા દ્વારા રિસર્ચ કરાયું છે.
એશિયાટિક પ્રજાતિના સંપૂર્ણ જીનોમ
સીએસઆઈઆર દ્વારા એશિયાટિક પ્રજાતિના નરનું સંપૂર્ણ જીનોમ (ડીએનએનું વર્ગીકરણ) ઉપલબ્ધ કરાયું છે. આ સંસ્થા પાસે બંગાળ વાઘ, આફ્રિકન ચિત્તા અને જગુઆરની સંપૂર્ણ જીનોમ માહિતી છે. આફ્રિકન સિંહોની આંશિક માહિતી છે અને હવે ધીમે ધીમે તે વધારે ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. હવે, આ સંસ્થાએ એશિયાટિક સાવજોના ડીએનએનું પણ વર્ગીરણ કરીન તેનું મૂળ શોધી કાઢ્યું છે અને એશિયાટિક સાવજોની ઉત્ક્રાંતિનું રહસ્ય નજીકના સમયમાં જ બહાર આવશે. જે સંશોધનાત્મક રિપોર્ટ ઓનલાઈન મૂકવામાં આવ્યો છે.
આનુવંશિક વિવિધતા
આ સંશોધનાત્મક લેખ તૈયાર કરનારા ડો. અજય ગોર કહે છે કે, સિંહોનાં આનુવંશિક વિવિધતાના મૂલ્યાંકનથી એશિયાટિક સિંહને લગતું આ રિસર્ચ કરાયું છે. તેના સંરક્ષણ માટે આ અતિમહત્ત્વ ધરાવે છે. આ જીનોમની લંબાઈ ડિજિટલ ડેટામાં ૨.૩ જીબી (ગીગાબેઝ) લાંબી હોવાનો અંદાજ છે અને૨૦.૫૪૩ પ્રોટીન કોડિંગ જીન્સ હોવાનું જણાય છે. ડો. ગોરનું કહેવું છે કે, એશિયાટિક સિંહમાં અસંખ્ય પેટા જનીનો મળી આવ્યાં છે. જોકે, આ જનીનોના કારણે જ સાવજની કેટલીક વિશેષતાઓ જાણવા મળી છે. સીએસઆઇઆરના હેડ રિસર્ચર ડો. રાકેશ મિશ્રા કહે છે કે સાવજોનાં પેટાજનીનો જોવા મળ્યા છે તે એશિયાટિક સિંહો વિશે ઘણી મહત્ત્વની માહિતી આપે છે. તેમણે જણાવ્યું કે, સંશોધનનો મુખ્ય હેતુ એ છે કે મોટી બિલાડી કૂળના પ્રાણીઓની ડીએનએના સ્તરે સરખામણી કરવી અને આ પ્રજાતિમાં કોઈ પણ રોગ, બીમારી હોય તો તેની સારવારના રસ્તા પણ આ જીનોમના સંશોધન પરથી શોધી કાઢવા. જોકે આ જીનોમની મદદથી પ્રાણીની સારવાર માટે તરત રિસર્ચ કરી શકાય છે.