ખંભાળિયા: જામનગર નજીક ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલી અગાઉની એસ્સાર ઓઇલ અને હાલની નયારા એનર્જી કંપની દ્વારા ગત વર્ષમાં સમયાંતરે રૂ. ૩૦.૫૮ કરોડની કિંમતના ૬૮,૩૮૧ મેટ્રીક ટન કોલસાની ચોરી થયાની ધોરણસર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
નયારા એનર્જી લિમિટેડ કંપની દ્વારા કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરાય છે. વીજ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતો કોલસો વિદેશમાંથી પણ આયાત થાય છે.
આ વૈશ્વિક રિફાઇનરીએ કોલસાના સંગ્રહ તથા જાળવણી માટેની જવાબદારી એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા) સર્વિસ લિ. કંપનીને આપી છે. જે હજારો ટન કોલસાનું મેનેજમેન્ટ કરે છે. નયારા દ્વારા ગત નાણાંકીય વર્ષમાં ઉપયોગમાં લેવાયેલો કોલસો તથા કોલસાના હાજર સ્ટોકમાં તોતિંગ ઘટ હોવાનું ધ્યાને આવ્યાનું નોંધાયું છે.
આ અંગે સ્ટોકની ચકાસણી કરાતા ૨૬-૩-૨૦૧૮થી ૩૧-૩-૨૦૧૯ સુધીના નાણાકીય વર્ષમાં નાના માંઢા ગામની સીમમાં આવેલા એસ્સાર કોલ સ્ટોક યાર્ડમાંથી રૂ. ૩૦ કરોડ, ૫૭ લાખ, ૧૦ હજાર ૮૨૩ની કિંમતના ૬૮,૩૮૧ મેટ્રીક ટન કોલસાની ઘટ હોવાથી આ કોલસાની ચોરી થઈ હોવાનું ખુલવા પામ્યું છે.