નવસારીના ઓંજલ માછીવાડના માછીમારો સાથેની બોટ ઓખા દરિયામાં જળસમાધિ લેતાં ૧૦ ખલાસીઓ પૈકી ૬ને અગાઉ બચાવી લેવાયા હતા. જ્યારે ચાર લાપત્તા હતા. આ પૈકીના ભીખાભાઈ રાઠોડનો મૃતદેહ ૨૭ ઓગસ્ટેે મળી આવ્યો હતો. અન્ય ત્રણે લાપત્તા ખલાસીઓ નવસારીના દશેરા ટેકરીના ચંદ્રકાંત પટેલ, ઠાકોરભાઈ રાઠોડ તેમજ વિજલપોરના ઉમેશ નાયકાના ના મૃતદેહ ૧થી ૩ સપ્ટેમ્બર દરમિયાન મિયાણીથી ભાવપરા વચ્ચેના દરિયાકિનારેથી મળી આવ્યા હતા. તમામ મૃતદેહોને જામનગર સિવિલમાં ખસેડીને મિયાણી મરીન પોલીસમથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો અને એ પછી લાશો પરિવારને અપાઈ હતી.
• ખંડણી માટે મિત્ર દ્વારા સોળ વર્ષીય કરણની હત્યાઃ સોની પરિવારનો સોળ વર્ષીય પુત્ર કરણ કિશોરભાઈ થડેશ્વર ૩૦મીએ સાંજે ઘરેથી બાઈક પર નીકળ્યા બાદ લાપતા બની ગયો હતો. એ પછી પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસમાં તેની ગુમ થયાની જાણ કરી હતી. દરમિયાન કરણને છોડવા માટે ફોન પર રૂ. એક કરોડની ખંડણી માગવામાં આવી હતી. પરિવારે ખંડણીખોરને આપવા રૂ. ૩૫ લાખ ભેગાં કર્યાં હતાં અને વધુ નાણા માટે સમય માગવાનું આયોજન કરાયું હતું. દરમિયાન રણજીતસાગર રોડ પર બનતાં રાજસોનલ નામના મકાન બીજા માળેથી કરણનો મૃતદેહ પરિવારને મળ્યો હતો. કરણના નજીકના એક મિત્રએ જ આ આખું કાવતરું ઘડ્યા હોવાની પોલીસને શંકા છે.
• પત્રકાર કિશોર દવેની હત્યા યુનેસ્કોએ વખોડીઃ યુનેસ્કોએ ગુજરાતના પ્રાદેશિક અખબારના બ્યુરો ચીફ કિશોર દવેની હત્યાને તાજેતરમાં વખોડી કાઢી હતી. યુનેસ્કોના વડા ઈરિના બોકોવાએ કહ્યું હતું, ‘હું કિશોર દવેની હત્યાને વખોડું છું.’ કિશોર દવે ગુજરાતના જૂનાગઢના જયહિંદ અખબારના બ્યુરો ચીફ હતા. તેમની હત્યાના સંદર્ભમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓની ૨૨ ઓગસ્ટે છરી મારીને હત્યા કરવામાં આવી હતી.
• પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ પછી બલુચ જુદું થવા તત્પરઃ જૂનાગઢના ભવનાથમાં આવેલા ગૌરક્ષક આશ્રમ ખાતે ૩૦મીએ શ્રાવણ માસ મહોત્સવના પ્રસંગે ધર્મસભા યોજાઈ હતી, જેમાં ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથે ધર્મસભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી ૧૯૭૧માં બાંગ્લાદેશ બાદ હવે બલુચિસ્તાન પણ અલગ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત દલિતો હિન્દુ સમાજનું અભિન્ન અંગ હોવાનું જણાવ્યું હતું.
• શિરેશ્વર લોકમેળાની શાંતિથી પૂર્ણાહુતિઃ શિરેશ્વર શક્તિનગરમાં ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ રવિવારે થયા પછી આ લોકમેળાને મોટી સંખ્યામાં જનમેદનીએ મનભરીને માણ્યો હતો. લોકમેળાની પૂર્ણાહુતિ મંગળવારે રાત્રે થઈ હતી. મંદિરના વિશાળ પટાંગણમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજા ચોથ પાંચમનો લોકમેળો ભરાય છે. આ વખતે મેળામાં જિલ્લા સાંસદ પૂનમબહેન માડમ સહિતના આગેવાનો, હોદ્દેદારોની ઉપસ્થિતિ હતી. છેલ્લા બે દિવસમાં હજારોની સંખ્યામાં તાલુકા ઉપરાંત જિલ્લાભરની જનતાએ મોજ માણી હતી.