કેશોદઃ માણાવદર અને કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાંથી પસાર થતી ઓઝત નદીના પાણી ચોમાસામાં દરિયામાં વહી જાય છે. આ પાણી ખેડૂતોને કામ લાગે એ હેતુથી સિંચાઈ વિભાગે ડેમની ડિઝાઈન સરકારમાં પાસ કરાવીને બાંધકામ શરૂ કર્યું ત્યારે લાબાગમ, ગામણાસા, મટિયાણાના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. એ પછી તાજેતરમાં પણ ડેમના બાંધકામનો વિરોધ થતાં કેશોદના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ખેડૂતોની વાત સાંભળી હતી. આ ગામોનાં ખેડૂતોએ કહ્યું કે, ઓઝતના બે ફાંટા પડે છે. હાલમાં જે ડિઝાઈન છે તે મુજબ કોલમ, બીમ બંધાશે તો લાબાગમ તરફના ખેડૂતોને પાણી મળવામાં મુશ્કેલી થશે અને મટિયાણા, કુતિયાણા તરફના ફાંટાને વધુ પાણી મળશે. આથી ડિઝાઈનમાં ફેરફાર કરીને બંને તરફના વહેણ સરખાં હોય એવી ડિઝાઈન બને.
ખેડૂતોની રજૂઆત સાંભળીને ધારાસભ્યએ સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપીને હાલ પૂરતું ડેમનું કામ બંધ કરાવ્યું છે અને બંને તરફના ખેડૂતોને મુશ્કેલી ન નડે તેવી ડિઝાઈન બનાવવાની અરજી રાજ્ય સરકારમાં આપવાની સૂચના આપી છે.