દ્વારકાઃ બોલિવૂડ ક્વિન કંગના રણૌતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના જગતમંદિરે દ્વારકાધીશ અને નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યાં હતાં. તેણે દ્વારકાધીશ પ્રત્યે પોતાને અપાર શ્રદ્ધા હોવાનું જણાવ્યું હતું. જોકે દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે એકને ગોળ ને બીજાને ખોળ જેવી નીતિ વધુ એક વખત ઉજાગર થઈ હોવાનું ભક્તો કહે છે. મંદિરમાં ફોટોગ્રાફીની મનાઈ હોવા છતાં જ્યારે વીવીઆઈપી અને રાજકારણીઓ આવે છે ત્યારે આ તેમના માટે આ નિયમ લાગુ કરાતો નથી. તેઓ બિંદાસ ફોટા પાડે છે અને એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં પણ શેર - વાયરલ કરે છે. માત્ર વીવીઆઈપી અને રાજકારણીઓને અપાતી ફોટા પાડવાની સુવિધાથી દેશ-વિદેશના લાખો ભાવિકોની લાગણીને ઠેસ પહોંચે છે. જેની કોઈ પરવા કરાતી નથી. ૧૩ સપ્ટેમ્બરે દ્વારકાધીશના દર્શનાર્થે આવેલી બોલિવૂડની અભિનેત્રી કંગના રણૌતે પણ દ્વારકાધીશ જગતમંદિરના ગર્ભગૃહ પાસે ઊભા રહીને પડાવેલા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા જાગી હતી.
ભગવાન બધા માટે સરખા હોય છે. ગરીબ હોય કે ધનવાન બધા માટે એકસરખા નિયમો હોવા જોઈએ પણ દ્વારકાધીશ મંદિરમાં સામાન્ય શ્રદ્ધાળુઓ અને વીઆઈપી શ્રદ્ધાળુઓ માટે રખાયેલા અલગ નિયમથી વધુ એક વખત નારાજગી ફેલાઈ છે.