જૂનાગઢઃ કન્યા કેળવણીના પ્રણેતા, કડવા પટેલ સમાજના મોભી, પૂર્વ સાંસદ રાજ્યના પૂર્વ મંત્રી મોહનભાઈ લાલજીભાઈ પટેલ (મો.લા. પટેલ)નો પાંચમી માર્ચે ૯૨ વર્ષની વયે જીવનદીપ બુઝાતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પ્રસંગે પરિવાર, મિત્ર મંડળ તેમજ ચાહકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉપલેટા તાલુકાના કોકલી ગામે જન્મેલા મો.લા. પટેલે જૂનાગઢને કર્મભૂમિ બનાવી હતી. ૫૦ વર્ષ પહેલા પટેલ કેળવણી મંડળની સ્થાપના કરી મોતીબાગ સામે કનેરિયા સ્કૂલ તરીકે ઓળખાતી શૈક્ષણિક સંસ્થાના બીજ રોપ્યા હતા. આજે કે.જી.થી કોલેજ સુધી એક છત્ર નીચે શિક્ષણ મળે છે. તેઓએ શિક્ષણ ઉપરાંત સામાજિક પ્રશ્નોમાં કૌટુંબિક ઝઘડા, વિવાદોને કાર્ટ કચેરીમાં ઢસડવા ન પડે તે માટે ઉમિયા સમાધાન પંચ સ્થાપ્યું હતું. તેના દ્વારા અનેક ઘર તૂટતા ઉગર્યા છે. વ્યવસાયે બિલ્ડર અને ડેવલપર હોવા ઉપરાંત જાહેરજીવનમાં નામના મેળવી હતી, જૂનાગઢ લોકસભા બેઠક ઉપરથી બે વખત ચૂંટાયા હતા. તેમજ ઉપલેટા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ નરેન્દ્ર મોદી સરકારમાં સિંચાઈ પ્રધાન રહ્યા હતા. નિયમિતતા, દિર્ઘદૃષ્ટા, સાદાઈ માટે જાણીતા હતા અને શૈક્ષણિક સંસ્થાનમાં સૌના દાદા તરીકે હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.