રાજકોટઃ ગુજરાતીમાં સાહિત્ય અકાદમીનો ૨૦૧૬નો પુરસ્કાર કમલ વોરાના કાવ્યસંગ્રહ ‘અનેકએક’ને એનાયત થયો હોવાની તાજેતરમાં જાહેરાત થઈ છે. ૨૨મી ફેબ્રુઆરીએ આ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે.
૧૯૫૦માં જન્મેલા કમલ વોરા એન્જિનિયર અને મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે અને પરિવારના ફાર્માસ્યુટિકલ બિઝનેસમાં વ્યસ્ત છે. ૧૯૭૧થી તેમની કવિતાઓ પ્રખ્યાત ગુજરાતી પ્રકાશનોમાં પ્રકાશિત થતી રહી છે. તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે. તેમના પ્રકાશિત થયેલા પુસ્તકોમાં ‘આરબ’ (૧૯૯૧) અને ‘અનેકએક’ (૨૦૧૨)નો સમાવેશ છે. વૃદ્ધો અને વૃદ્ધાવસ્થા પર લખાયેલા વિશિષ્ટ અને સુંદર એકસો કાવ્યોનો તેમનો નવો કાવ્યસંગ્રહ વૃદ્ધશતક ૨૦૧૫માં પ્રકાશિત થયો છે.
રાજકોટમાં જન્મેલા કમલ વોરા હાલમાં મુંબઈમાં રહે છે. તેમના અનેકએક કાવ્યસંગ્રહને પ્રતિષ્ઠિત ઉમાશંકર જોશી એવોર્ડ મળ્યો છે. તેમની કવિતાઓનો અંગ્રેજીમાં અનુવાદ પ્રકાશિત
થયો છે.