- વિલિંગ્ડન ડેમ પર ત્રીજી નવેમ્બરે મહાપાલિકાએ ડિમોલિશન કર્યું હતું. બીજા દિવસે સાંજે દલિત હક્ક રક્ષક એકતા મહાસંઘનાં નેજા હેઠળ વેપારીઓ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. ત્યારે એક દલિત યુવકે કહ્યું કે, ‘સાહેબ મેં વ્યાજે રૂપિયા લીધા છે. ધંધો કરવા દો તેમ કહી કમિશ્નર વી જે રાજપૂત, ભાજપનાં સાંસદ રાજેશ ચુડાસમા અને અન્ય અગ્રણીઓ સામે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
- વગડિયામાં ૧૨૦૦ની વસ્તીમાંથી ૫૦૦ને ચિકનગુનિયાઃ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મૂળી તાલુકાના વગડિયા ગામમાં ૧૨૦૦ની વસ્તીમાં અંદાજે ૫૦૦ જેટલા લોકો ચીકનગુનીયાથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં પણ દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.
યુવકની હત્યાનો લોકો વીડિયો ઉતારતા રહ્યાઃ એભા ધરણાત આંબલિયા નામના ૨૫ વર્ષના યુવાન ઉપર એક શખસ અને તેનો પુત્ર પથ્થરના ઘા કરતા રહ્યા. આ વખતે અનેક વાહનચાલકો અને રાહદારીઓ ત્યાં ભેગા થયા હતા, પરંતુ કોઈએ આ ઘાતકી ખૂન અટકાવવા પ્રયાસ કર્યો નહીં. કેટલાકે આ ઘટનાનું રેકોર્ડિંગ કર્યું પણ તેને બદલે યુવાનની મદદ કરી નહીં. જોકે રેકોર્ડિંગના આધારે પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.
રાજકોટના વેપારીનો બે સંતાનો સાથે ન્યારીમાં ઝંપલાવી આપઘાતઃ ભક્તિનગર સર્કલ નજીકના ગીતામંદિર પાસે રહેતા કિરણભાઈ સેજપાલ (૪૨) વેપારીએ પુત્ર ધ્રુવિલ (૬) અને પુત્રી નિષ્ઠા (૪) સાથે પડધરીના ન્યારી ડેમમાં ઝંપલાવી બીજીએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કિરણભાઈ તથા બે સંતાનો ધ્રુવિલ અને નિષ્ઠાના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
સૌરાષ્ટ્રનો સાગરકાંઠો સહેલાણીઓથી છલકાયોઃ દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્રનો સાગરકાંઠો સહેલાણીઓથી છલકાયો હતો. માધવપુર ઘેડ, દીવ, ચોરવાડ, સોમનાથ વગેરે સ્થળોએ ખૂબ ભીડ ઉમટી હતી. દીવના કાંઠે તો અનેક પ્રકારની રાઇડ્સ, હોટ એર બલૂન, પેરાસાઈકલિંગનું આકર્ષણ રહ્યું હતું. સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવીને સેંકડો પ્રવાસીઓએ નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. ઉપરાંત, સત્તાધાર, તુલસીશ્યામ, પરબ વગેરે સ્થળોએ પ્રવાસીઓની ભારે ગિરદી જોવા મળી હતી. કારતકી મેળાના વાતાવરણ વચ્ચે ગીર પણ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ સ્થળ સાબિત થઈ રહ્યું છે.
મોરબી યાર્ડમાં ૮ દિવસમાં ૧.૧૮ લાખ મણ કપાસઃ મોરબી માર્કેટયાર્ડમાં લાભ પાંચમથી કપાસની મબલક જંગી આવક શરૂ થઈ છે. લાભ પાંચમે પ્રારંભના દિવસે જ ૧૯ હજાર મણ કપાસની આવક થઈ હતી અને કુલ આઠ દિવસમાં ૧, ૧૮, ૩૯૦ મણ કપાસની જંગી આવક થઈ ગઈ છે. આ સાથે કપાસની હરાજીની શરૂઆત થઈ ગઈ છે. કપાસનો મણદીઠ સૌથી નીચામાં નીચો રૂ. ૯૦૦ને સૌથી ઊંચો ભાવ ૧૦૮૦ રહ્યો છે.