રાજકોટ: અતિધનાઢ્ય શાહ પરિવારના ૧૬ વર્ષના દીકરા સૌરવકુમારે કરોડોની સંપત્તિ, સંસાર સુખ ત્યાગીને ૨૫મી એપ્રિલે સંયમ માર્ગે જીવન વ્યતીત કરવાનું જાહેર કરતાં તેના પરિવારે પણ તેનો નિર્ણય માન્ય રાખ્યો હતો. સંયમ માર્ગે પ્રસ્થાન પહેલાં સૌરવકુમારની શાહી શોભાયાત્રા રાજકોટ શહેરમાં નીકળી હતી. તેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના શ્રાવકો ઉમટી પડ્યા હતા.
યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં રાજકોટના પનોતાપુત્ર મુમુક્ષુ સૌરવકુમાર નીલેશભાઇ શાહે દીક્ષા અંગીકાર સ્વીકાર કરતા પહેલાં તેની ભવ્ય શોભાયાત્રામાં દાનપુણ્ય કાર્ય કર્યું હતું. સૌરવના પિતા નીલેશભાઈ શાહ અને માતા જલ્પાબહેન શાહના બે સંતાનોમાંથી સૌરવકુમારે સંયમના માર્ગે પ્રયાણ કરવાનું નક્કી કર્યું અને આ દંપતીનો બીજો પુત્ર મોનિલ અમદાવાદમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે. સૌરવની દીક્ષા પહેલાં ૨૧મી એપ્રિલથી શાહી શોભાયાત્રા, મહેંદી રસમ, સંયમ સાંજી, માતા-પિતાના હસ્તે વિજયતિલક સહિતના પ્રસંગો દીક્ષા મહોત્સવ દરમિયાન ઉજવવામાં આવ્યા હતા.