રાજકોટ: ‘હકની કમાણી હોય તો ખાતે ન આવે ખોટ, દેતી આવે દોટ એને ભરપૂર દૌલત ભૂદરા..’ કવિતાના રચયિતા એટલે ભૂદરજી લાલજી જોષી. ૧૮૮૪થી ૧૯૬૬ સુધી નખશીખ શબ્દ અને સાહિત્યને વફાદાર જીવન જીવનારા કવિ ભૂદર જોષી ગુજરાતી ભાષાના એક છુપાયેલા રતન છે. મહાત્મા ગાંધીજીને અનન્ય આદરભાવથી રજૂ કરતા ભૂદરજીએ માત્ર ગાંધીજીના જીવન કવન ઉપર ૧૧૦૦ જેટલા દોહાઓ અને ૪૫૦ જેટલા ગીતો રચ્યા છે. આઝાદી પહેલાની અનેક ઘટનાઓ અને દુર્ઘટનાઓને શબ્દ દેહ આપી કવિ આઝાદીની ચળવળમાં પોતાનો સૂર પુરાવે છે.
ગાંધીજીની હત્યા બાદ દેશની દુર્દશા જોઈએ માનસિક રીતે પડી ભાંગેલા આ કવિએ એમની દીકરીઓને અને પરિવારને પોતાની કવિતાયુંના પ્રકાશનની સ્પષ્ટ ના પાડીને સ્વર્ગે સિધાવી ગયા હતા. રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી કવિ ભૂદરજી જોષીની હસ્તપ્રતોમાંથી તારવીને તૈયાર કરાયેલું લોકસાહિત્યિક- શિષ્ટસાહિત્યની ચિરંજીવ રચનાઓનું પ્રથમ પુસ્તક ‘ભૂદર ભણંત’નું આગામી તારીખ ૨૨ને સોમવારે બપોરે ૩થી ૬ કલાકે સાંદીપનિ સભાગૃહ, સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે થશે.
પદ્મશ્રી ભીખુદાન ગઢવી વિશેષ અતિથિ તરીકે અને સાંઇરામ દવે, વિષ્ણુપ્રસાદ દવે, વિમલ મહેતા, રામભાઈ બારોટ, તેજસ પટેલ, જયમંત દવે, અને અવની વ્યાસ સહિતના કલાકારો ભૂદરજીની કાવ્યધારા, દોહા, છંદ, ભજનો અને જીવન કવનને લોક શૈલીમાં રજૂ કરશે. આ કાર્યક્રમનું સાંદીપનિ ટીવી ઉપર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. સાંઈરામ દવે જણાવે છે કે, જેમ શ્યામજીક્રિષ્ન વર્માના અસ્થિ મળી આવ્યા ને સમગ્ર રાષ્ટ્રને ગૌરવ મળ્યું હતું એવી જ લાગણી થઇ રહી છે. કારણ કે, ભૂદરજી જોષીની કવિતા લોકરંજન નહીં, પરંતુ રાષ્ટ્રના નવ સર્જન માટે લખાયેલી છે.