રાજકોટઃ ત્રંબામાં આવેલા કસ્તુરબા ધામ આશ્રમમાં વર્ષ ૧૯૩૯માં ૧૯ દિવસ સુધી સત્યાગ્રહની લડત દરમિયાન કસ્તુરબાને નજર કેદ રખાયા હતાં. આઝાદી પછી આ સ્થળને સ્મારક તરીકે વિકસાવવા માટે ગાંધી પરિવારના ટ્રસ્ટીઓને સોંપવામાં આવ્યું હતું. એ સમય અહીં ગાંધીજીના ચશ્મા, આઝાદીની લડતમાં સામેલ સંસ્મરણોની ગાંધીજીની દુર્લભ તસવીરો અને ગાંધીજીનાં કેટલાક પ્રિય પુસ્તકો પણ હતાં, પરંતુ આજે એક પણ ચીજ અહીં આશ્રમમાં જોવા મળતી નથી. કોઈ કહે છે કે, આશ્રમમાંથી આ ચીજો ચોરાઈ ગઈ છે કોઈ કહે છે કે ચીજો પરદેશ ભેગી કરાઈ છે. આ દુર્લભ ચીજો અંગે પોલીસ તપાસ પણ નિમવામાં આવી છે. છતાં ગાંધીજીના સ્મૃતિચિહ્ન સ્વરૂપ ચીજવસ્તુઓનો કોઈ પત્તો લાગ્યો નથી.
ગાંધીજીનાં અનેક સંસ્મરણો
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જીવનના અનેક સંસ્મરણો રાજકોટ સાથે જોડાયેલાં છે. રાજકોટની કિશોરસિંહજી હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ, આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ, કસ્તુરબા ગાંધીના ડેલામાં અઢી ત્રણ દાયકા સુધીનો નિવાસ અને સત્યાગ્રહના સેનાનીઓ માટે શરૂ કરેલી રાષ્ટ્રીય શાળા એ ગાંધીજીના દુર્લભ સ્મારક સમાન છે, પરંતુ રાજકોટથી આઠ કિ.મી. દૂર આવેલો ત્રંબા કસ્તુરબાધામ આશ્રમ જે જર્જરિત અવસ્થામાં જોવા મળે છે તેને કોઈ યાદ કરતું નથી. આઝાદીની લડત દરમિયાન રાજકોટ સત્યાગ્રહ તરીકે ઓળખાતી ચળવળમાં ભાગ લેવા કસ્તુરબા રાજકોટ આવ્યા ત્યારે તેઓને અહીં નજરકેદ રાખવામાં આવ્યાં હતાં. સરદાર પટેલના પુત્રી મણિબહેન પટેલ પણ એ સમયે તેમની સાથે રહ્યા હતાં.
કસ્તુરબા ધામ આશ્રમની સાથે જોડાયેલી ગાંધીજીની સ્મૃતિઓ અંગે ૮૮ વર્ષીય મુંબઈ સ્થિત ટ્રસ્ટી સુરેશભાઈ મહેતા જણાવે છે કે, આ આશ્રમમાં એક સમયે ગાંધીજીવન દરેક પ્રવૃત્તિમાં ધબકતું હતું. કાંતણ વિભાગ, વણાટ વિભાગ, હાથકાગળ બનાવવાનું કારખાનું લુહારીકામ, સુથારીકામ ચાલતું હતું. ખેતીની વિશાળ જમીન અને આશ્રમશાળા એ તમામ પ્રવૃત્તિમાંથી અત્યારે માત્ર નિશાળ ચાલે છે. ગાંધીજીનાં ચશ્મા અહીં હતા. તેઓ બંગાળી ભાષા જે પુસ્તકમાંથી શીખી રહ્યા હતાં તે પુસ્તકો હતાં. ગાંધીજીના પ્રપૌત્ર અને જાણીતા તસવીરકાર કનુભાઈ ગાંધીએ ગાંધીજીની જે દુર્લભ તસવીરો કચકડે કંડારી હતી તે પણ અહીં હતી, પરંતુ સંસ્થા સાથે એક સમયે સંકળાયેલા પ્રવીણભાઈ આહ્યા અમેરિકા પ્રદર્શન માટે લઈ ગયા ત્યારબાદ તે ચીજો પાછી આવી નથી.
આ મુદ્દે અનેક ફરિયાદો થયા બાદ પોલીસ તપાસ સમિતિ નિમાઈ હતી, પરંતુ ગાંધીજીની યાદગીરી સમાન આ ચીજોનો પત્તો આજ સુધી લાગ્યો નથી. વર્ષો અગાઉ ગુમ થયેલી આ ચીજો હવે હાથ લાગે તેવી શક્યતા નથી. જેમ ગાંધીવિચાર એ ભારતીય રાજકીય જીવનમાંથી નામશેષ થઈ ગયો છે તેવી જ સ્થિતિ રાજકોટ નજીકનાં ગાંધી કસ્તુરબાના સ્મૃતિ સ્મારકોની જોવા મળે છે જે કેવી કમનસીબી છે.