જેતપુરઃ જેતપુરના કાગવડ ગામે લેઉઆ પટેલના આસ્થાના પ્રતીક ખોડલધામમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તેમાં ખોડલની દિવ્ય આરતી તેમજ ધ્વજારોહનો કાર્યક્રમ યોજાયો હતો. ખોડલધામમાં ૨૧મીથી પાંચ દિવસ સુધી લાખો ભાવિકો સંતોની જનમેદની વચ્ચે અનેક વિશ્વવિક્રમ સાથે વિનાવિઘ્ને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ગત વર્ષે ઊજવણી કરાઈ હતી. જ્યારે પ્રથમ પાટોત્સવ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા તૈયાર કરાઈ હતી પરંતુ ઉપલેટાના પ્રાંસલા ગામમાં શિબિર દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓના મોત તેમજ જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે અકસ્માતે લેઉઆ પટેલના ૯ યુવાનોનાં મોત થતાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમ રદ કરીને સાદાઈથી મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો. મંગળાઆરતીમાં નરેશભાઈ પટેલ જોડાયા હતા તેમજ પાંચ ધ્વજારોહણ કરાઈ હતી. પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે દર્શન તેમજ મા ખોડલના આશીર્વાદ લેવા દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. જેતપુરના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા તથા પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયાની આગેવાનીમાં જેતપુરમાંથી ચાર બસ તેમજ ૪૦ કારના કાફલા સાથે ખોડલધામ મંદિરે ભક્તજનો પહોંચ્યા હતા ત્યારે જેતપુર પંથકમાં જ ખોડલધામ સ્થપાયું હોય તેના આનંદ સાથે હજારો શ્રદ્ધાળુ ભાઈ-બહેનો ધ્વજારોહણમાં જોડાયા હતા અને સમૂહપ્રસાદ લીધો હતો.