કાગવડમાં શ્રદ્ધાનો મહેરામણઃ મા ખોડલની પ્રતિષ્ઠા સાથે પાંચ દિવસમાં છ રેકોર્ડ

Wednesday 18th January 2017 07:32 EST
 
 

કાગવડઃ ખોડલધામ મંદિરમાં ૧૭મીથી ૨૧મી જાન્યુઆરી સુધી આયોજિત મા ખોડલની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ ભવ્યાતિભવ્ય રીતે થયો છે. ૧૭મી જાન્યુઆરી, મંગળવારે સવારે રાજકોટથી મા ખોડલની શોભાયાત્રાનું રંગેચંગે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને આ પ્રસંગે લાખોની સંખ્યામાં પાટીદારો અને મા ભક્તો ઉમટી પડયા હતા. શોભાયાત્રાને અગ્રણી રાજકીય નેતા કેશુભાઇ પટેલ તથા સામાજિક અગ્રણી નરેશ પટેલે દીપ પ્રાગટ્ય કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં શણગારેલી રિક્ષાઓએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રામાં નાસિકના પ્રખ્યાત ઢોલ અને તાંસા સાથે ૫૦ વાદ્યકારોને આમંત્રણ હતું. શોભાયાત્રામાં ૧૦૦૦ બુલેટ, ૪૦૦૦ કાર, ૧૦,૦૦૦ ટુ વ્હીલર, ૭૫ ફ્લોટસ્, મહિલા સમિતિની ૧૫૧ બસ જોડાઈ હતી. તેમાં ૨.૫ લાખ લોકોએ ભાગ લીધો હતો.
૪૦ કિમી લાંબી આ ઐતિહાસિક ભક્તિયાત્રા દરમિયાન પ્રથમ વાહન ગોંડલ હતું તો અંતિમ વાહન રાજકોટમાં હતું. અન્ય શોભાયાત્રા ઉપલેટા, જૂનાગઢ, જસદણ, ભાવનગર અને બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને વડોદરાથી નીકળી હતી. મા ખોડલના જયજયકાર સાથે રાજકોટથી નીકળેલી શોભાયાત્રાનું રાજકોટથી કાગવડ સુધીના માર્ગ પર ઠેર-ઠેર ઢોલ નગારા અને રંગોળી વડે સ્વાગત કરાયું હતું. કાગવડ પહોંચતાં શોભાયાત્રાને ભવ્ય રીતે વધાવી લેવાઈ હતી. હાલમાં ખોડલધામે ભકિતમય માહોલ છવાયો છે અને ભકતોના ઘોડાપુર ઉમટી પડયા છે. લેઉવા પાટીદાર સમાજ દ્વારા કાગવડ ખાતે ૧૦૦ એકર જમીન પર ખોડિયાર માતાજીના વિરાટ સ્થાનકનું નિર્માણ થયું છે. કલાત્મક મંદિરમાં ખોડિયાર માતાજી સાથે વિવિધ દેવી-દેવતાઓની એકવીસ મૂર્તિઓની સ્થાપના પાંચ દિવસમાં થશે.
ખોડલધામ મહોત્સવ દરમિયાન રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા હેલિકોપ્ટર લેન્ડિંગ, ઉડ્ડયન અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા સહિતની મંજૂરી મેળવવામાં આવી હતી. જે સંદર્ભે રરમી જાન્યુઆરી સુધીની મંજૂરી પણ મળી છે. જેથી મા
ખોડલની શોભાયાત્રા દરમિયાન રંગીન પુષ્પોની વર્ષા પણ થઈ હતી.
પાંચ દિવસમાં છ રેકોર્ડ
સૌરાષ્ટ્રમાંથી ૧૭મીએ નીકળેલી શોભાયાત્રાની ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધની ચર્ચા છે. બીજો-ત્રીજો રેકર્ડ લેઉવા પટેલ સમાજ ૧૦૦૮ કુંડ યજ્ઞનો એશિયા બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા બુકમાં થશે. ચોથો-પાંચમો રેકર્ડ ખોડલધામ રથનો નોંધાશે. છઠ્ઠો રેકોર્ડ ગિનિસ બુકમાં એક સાથે ૩.૫૦ લાખથી વધુ લોકો રાષ્ટ્રગાન કરશે તેનો નોંધાશે. લાખો લોકો એકત્ર થતા હોવાથી તેની ગણતરી કરવા ખાસ સેન્સર મુકાયા છે.
તમામ રેકોર્ડ માટે ૧૧૮૭૩ નિરીક્ષકો
ખોડલધામમાં ચાર વિભાગમાં રેકોર્ડ નોંધાવાની આશા છે. જેમાં ગોલ્ડન બુક, એશિયા અને ઇન્ડિયા બુક માટે ૨૫૦-૨૫૦ એમ કુલ ૭૫૦ નિરીક્ષકો હશે. ગિનિસ બુક માટે ૧૧૦૦૦ નિરીક્ષકો, તેની ઉપર ૧૧૦ મુખ્ય નિરીક્ષકો, ૧૧ ફાઇનલ નિરીક્ષક અને બે વિટનેસન આમ કુલ રેકોર્ડ માટે ૧૧૮૭૩ નિરીક્ષકો સેવા આપશે.
૨૨ ઘંટ સાથે બે ટનનો ધજા દંડ
આ મહોત્સવ પ્રસંગે ખોડલધામમાં બે ટન વજન ધરાવતો ગોલ્ડ પ્લેટેડ ધજા દંડને મંદિર પર ચડાવાયો હતો. આ ધજા દંડને ૨૨ ઘંટથી શણગારવામાં આવ્યો છે. આર્કિટેક્ટ વિપુલ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ ધજા દંડ ૩૦ ફૂટ પાંચ ઈચ તથા ૧૦ ફૂટ પક્કડ માટે સાલનો ભાગ મળીને કુલ ૪૦ ફૂટની ઊંચાઈનો છે. તેમાં પાંચ બાય અઢી ફૂટની પાટલી મુકાઈ છે. આ પાટલીમાં ૨૨ ઘંટ ફીટ કરાયા છે.
ત્રણ પુસ્તકોનું પણ વિમોચન
મહોત્સવમાં ત્રણ પુસ્તકોનું વિમોચન પણ થયું હતું. તેમાં એક ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક છે. ખોડલધામ સ્મૃતિ મેગેઝિનના સંપાદક યશપાલ બક્ષીએ પુસ્તકનું લેખન, સંપાદન તથા તેમણે ક્લિક કરેલી શરૂથી અત્યાર સુધી ખોડલધામ મંદિરની તસવીરો સમાવિષ્ટ છે.
બીજું પુસ્તક ‘ખોડલધામ સ્વપ્ન’ અમરેલીના ચક્કરગઢ ગામની યુવતી દીપાલી પાનસુરિયાએ લખ્યું છે. આ પુસ્તકમાં ખોડલધામના કાર્યક્રમો તથા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના સાકાર થયેલા સ્વપ્નની વાતો છે. ત્રીજું પુસ્તક કાવ્ય સંપૂટ સ્વરૂપે છે. તે રાજુલાનાં શિક્ષિકા દયાબહેન સોજીત્રા (હીરપરા)એ લખેલું છે. તેમણે ખોડલધામ, મા ખોડિયાર અને નરેશભાઈ પટેલ વિશે લખેલાં કાવ્યોનો સમાવેશ કરાયો છે.

આયોજનબદ્ધ વ્યવસ્થા
• દરરોજ ૨ મીઠાઈ, ફરસાણ, રોટલી, દાળ- ભાત - શાક, સંભારો, અને છાશનું ૪ દિવસ ભોજન.
• ચા - પાણી માટે ૨૫ હજાર લીટર દૂધ, ૩૫ લાખ ડિસ્પોઝેબલ ગ્લાસનો ઉપયોગ • ૩૦ બેડની મિની હોસ્પિટલ, ૭૦ ડોકટર, ૫૦ નર્સિંગ સ્ટાફ • ૧૦૦૦ વીઘામાં પાર્કિંગ વ્યવસ્થા • દોઢ લાખ ફૂટમાં ડોમ, ૧૨૦ x ૬૦ ફૂટનું મુખ્ય મંચ, ભાવિકોને બેસવા માટે ૨૪ લાખ ફૂટની વિશાળ જગ્યા • ૩૦૦ વોકીટોકીનો સ્વયંસેવકો દ્વારા ઉપયોગ

મુખ્ય કાર્યક્રમની વિગત

• ૧૭ જાન્યુઆરીઃ સવારે રાજકોટ તેમજ અન્ય સ્થળેથી માતાજીની કુલ ર૧ મૂર્તિઓ સાથેની શોભાયાત્રા વહેલી સવારે પ્રસ્થાન પામી અને કાગવડમાં શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત થયું
• ૧૮મી જાન્યુઆરીઃ સવારે ૮થી પ અને બપોરે રથી પ સુધી ર૧ કુંડનો હવન. ૧રથી પ કલાક લોકડાયરો. જેમાં ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, ધીરુભાઈ સરવૈયા, બ્રિજરાજદાન ગઢવી, સુખદેવભાઈ ધામેલિયા, અલ્પાબહેન પટેલ, ઉર્વશીબહેન રાદડિયા જેવા કલાકારોની જમાવટ
• ૧૯મી જાન્યુઆરીઃ સવારે ૮થી ૨ અને બપોરે રથી પ સુધી ર૧ કુંડનો હવન. મુંબઈના ૪પ કરતા વધારે કલાકારો દ્વારા ‘સથવારો રાધેશ્યામનો’ કાર્યક્રમ.
• ર૦મી જાન્યુઆરીઃ સવારે પ: ૩૦થી ૬: ૩૦ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ. ભારતીય સંસ્કૃતિના તમામ ઉત્સવો દર્શાવતો ઓડિયો વિઝયુઅલ કાર્યક્રમ. સામાજિક, શૈક્ષણિક, રાજકીય, કૃષિ સહિતના ક્ષેત્રે પટેલ જ્ઞાતિએ આપેલા યોગદાનને ઉજાગર કરતો ડ્રામા અને ઓડિયો વિઝયુઅલ કાર્યક્રમ
• ર૧મી જાન્યુઆરીઃ સવારે ૬: ૩૦ કલાકે ધ્વજારોહણ. નીતિન દેવકા, આસિફ ઝેરિયા, દીપક જોશી, રમેશ હીરપરા, જયેશ દવે, હેમંત જોશી, નિધિ ધોળકિયા, અલ્પા પટેલ, ઉર્વશી રાદડિયા, સોનલ ગઢવી, સરસ્વતીબહેન હીરપરા, અમી ગોસાઈ કલાકારો સહિત ૯૦ કલાકારોના વૃંદ સાથે માતાજીની આરતી પછી લોકગીતો, માતાજીનાં ભક્તિગીતો, દેશભક્તિના ગીતો, પ્રભાતિયાની પ્રસ્તુતિ
અન્ય કાર્યક્રમો
• ર૧ બ્રાહ્મણો દ્વારા પરંપરાગત રીતે ર૧ મહાઆરતી. એક આરતીમાં ૧પ૧ દીવડા.
• ખોડલધામ મહિલા સમિતિના ૧૩૦ બહેનો દ્વારા ગણપતિ સ્તુતિ અને મા ખોડિયારના ગરબાની રજૂઆત • એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના ૩.પ૦ લાખ લોકો દ્વારા સમૂહ રાષ્ટ્રગાન. ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડની શક્યતા • સવારે ૮: ૩૦ કલાકે રોજ નિયમિત મહાસભામાં સંતો-મહંતોના આશીર્વચન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter