સાવરકુંડલાઃ ભારતમાંથી આયાત થતી કેરી ઓર્ગેનિક ન હોવાથી દક્ષિણ કોરિયાએ એક સમયે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ સાઉથ કોરિયાએ હવે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. જેના પગલે દક્ષિણ કોરિયાના કેટલાક અધિકારીઓ કેરીની ખરીદીના કોન્ટ્રાક્ટ માટે સૌરાષ્ટ્ર આવ્યા હતા. તેમણે સાવરકુંડલાના મોટા ભમોદરામાં ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લીધી હતી.
સાવરકુંડલાના મોટા ભમોદરાના અમેરિકા સ્થિત ડો. ભાસ્કર સવાણી અમેરિકામાં કાઠિયાવાડી કેસર કેરીનો વેપાર કરે છે. ભાસ્કરભાઈ અને ડો. નિરંજન સવાણીના પ્રયત્નોથી દક્ષિણ કોરિયામાં ફરી કેસરનો વેપાર થશે. ઓર્ગેનિક કેરી બાબતે આ સવાણીઓએ ભારતમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટને રજૂઆત કરતાં કોરિયા સરકાર સાથે વાટાઘાટો થઈ હતી અને સાઉથ કોરિયામાં હવે કેસર કેરી મળશે. દક્ષિણ કોરિયાના અધિકારીઓએ ભમોદરાના મધુભાઈ સવાણી સાથે પણ ઓર્ગેનિક કેરીની ખરીદીના એગ્રીમેન્ટ કર્યા છે. યુરોપ અને યુએઈમાં પણ કેરી એક્સપોર્ટ થાય છે. હવે દ. કોરિયામાં પણ કેસર કેરી જવાથી ખેડૂતોને ફાયદો થશે.
રાજાપુરી માટે પણ વાટાઘાટો
દક્ષિણ કોરિયાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે યોંગ યોનગઝુએ ભમોદરાના ઓર્ગેનિક ફાર્મની મુલાકાત દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે કેસર કેરી ઉપરાંત રાજાપુરી કેરીના ખરીદીમાં પણ તેમનો દેશ રસ દાખવી રહ્યો છે.